પોળો છોડીને પાલડીમાં આવ્યા, હવે પાલડી છોડીને ક્યાં જઈશું?

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાનો અમલ હોવા છતાં રિડેવલપમેન્ટના નામે મિલકતોના ગેરકાયદે ખરીદ-વેચાણની પ્રવૃત્તિ સામે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષા ફ્લેટના રિ-ડેવલપમેન્ટના વિવાદને લઇ ફરી એક વાર પાલડી વિસ્તારમાં પોસ્ટર વોર શરૂ થઇ છે.

પાલડીમાં જૈનોના રહેણાંક વિસ્તારો અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહની ઓફિસની આસપાસના વિસ્તારમાં હિન્દુ જાગરણના નામે પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. લગાવેલાં પોસ્ટરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'જાગો.હિંદુઓ જાગો, પાલડીને જુહાપુરા બનતાં અટકાવો' 'આજે પાલડી.. કાલે વાસણા, ક્યાં કરીશું પ્રતિક્રમણ? અને ક્યાં કરીશું એકાસણાં', 'મોદીજીના રાજમાં હતો કાદવ પણ કમળથી છલોછલ, રૂપાણીજીના રાજમાં કમળ જ કાદવથી લથબથ', લેન્ડ + લવ જેહાદથી દેશ બચાવો. જેવાં સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. ફરી એક વાર પોસ્ટર લગાવવામાં આવતાં વર્ષા ફ્લેટનો વિવાદ ફરી ઊભો થયો છે.

વર્ષા ફ્લેટમાં રિડેવલપમેન્ટના નામે ભ્રષ્ટાચાર થયો હોવાની અને અશાંત ધારાના નિયમોને નેવે મૂકીને અન્ય કોમના લોકોને પઝેશન આપવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો સાથે સમગ્ર મામલે કોર્પોરેશન તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી, જેને લઇ હિન્દુ જાગરણ મંચ દ્વારા અગાઉ પણ રેલી અને બેનર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ અને વર્ષા ફ્લેટમાં જૈન બિલ્ડર બનીને લોકોની સાથે છેતરામણી કરી ચૂકેલા બિલ્ડર નૌશાદ ખાન વચ્ચે સાઠગાંઠના પણ આક્ષેપો ઊભા થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષા ફ્લેટમાં બે વખત અશાંતધારાના નિયમનો ભંગ થયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે, જેમાં અશાંતધારો ૧૯૯૨માં અમલમાં આવ્યો તે પહેલાં ત્યાં ૨૪ ટેનામેન્ટ હતાં ત્યારે રચાયેલી જન કલ્યાણ હાઉ‌સિંગ સોસાયટીમાં કુલ ૨૪ સભ્ય હતા, જેમાં ૨૨ લઘુમતી કોમના અને બે બહુમતી કોમના સભ્ય હતા. હવે તેમાંથી બે બહુમતી કોમના સભ્યનાં નામ કઈ રીતે કમી થયાં તે અંગેની સ્પષ્ટતા નથી.

આ લોકોનાં નામ કમી કરવા અશાંતધારાની મંજૂરી લેવાની હોય છે તે મુજબ જો મંજૂરી લઈ નામ કમી કર્યાં હોય તો અશાંતધારા ભંગનો ગુનો બનતો નથી, પરંતુ જો લીધા વિના નામ કમી કર્યાં હોય તો અશાંતધારા ભંગનો ગુનો બને છે.

ઉપરાંત અગાઉ ત્યાં ૨૪ ટેનામેન્ટ હતાં અને હાલમાં ત્યાં ૫૪ જેટલા ફ્લેટ બની ગયા છે, કુલ ચાર ટાવર પૈકી એક ટાવરની જ બીયુ પરમિશન હતી જ્યારે બાકીના ત્રણ ટાવરની બીયુ પરમિશન પણ નથી. ઉપરાંત ૫૪ પૈકી મોટા ભાગના ફ્લેટના દસ્તાવેજા પણ થઈ ગયા છે. ખરેખર નિયમ પ્રમાણે દસ્તાવેજ કરતાં પહેલાં અશાંતધારાની મંજૂરી લેવાની હોય છે, પરંતુ આ ફ્લેટના વેચાણ માટે અશાંતધારાની મંજૂરી લેવાઈ નથી.

આમ, ફ્લેટના વેચાણના કિસ્સામાં પણ અશાંતધારાનો ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં છે. કોર્ટ દ્વારા સ્ટેઓર્ડર હોવા છતાં કાયદાની ઐસી કી તૈસી કરીને ફ્લેટમાં બિલ્ડર દ્વારા પઝેશન આપવામાં આવી રહ્યું છે, જેને લઇ સ્થાનિકો રોષે ભરાયા છે અને ફરી એક વાર સમગ્ર વિસ્તારમાં પોસ્ટર લગાવવમાં આવ્યાં છે.

અશાંતધારો હોવા છતાં AMCનો ભ્રષ્ટાચાર એટલે વર્ષા ફ્લેટ. વર્ષા ફ્લેટ, વિકાસના નામે AMCનો ભ્રષ્ટાચાર એટલે વર્ષા ફ્લેટ. વર્ષા ફ્લેટ, ના અપ્પુ કી ના પપૂકી, મરજી ચલેગી લોકતંત્ર કી, ના સરકાર કી-ના કોર્પોરેશન કી, મરજી ચલેગી પાલડી કે હિંદુઓં કી, નવકાર મંત્ર કી ગુંજ ઉઠેગી, ૐકાર કે નાદ હોગા, પાલડી કો જુહાપુરા બનતે નહિ સહેંગે.. નહિ સહેંગે, વારાફરતી વારો આજે ર૦૧૮માં તમારો, કાલે ર૦૧૯ની ચૂંટણીમાં કોનો વારો? અમારો વારો !!. જેવાં સૂત્રો સાથે હિન્દુ જાગરણ મંચના નામે બેનર લાગ્યાં છે. ફરી એક વાર બેનર લાગતાં વિવાદ ફરી છેડાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.