આજે તાપણું કરવું છે' હાર્દિકની અટકાયત બાદ સુરતમાં બસ સળગાવતા પહેલા કોડવર્ડ થયો હતો વાયરલ

સુરતઃ પાટીદારોના આંદોલનમાં બસ સળગાવવાથી લઈ તોડફોડની જે ઘટના બની તે અટકાવવામાં શહેર પોલીસનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું ચિત્ર ખડું થયું છે. તેમાં પણ ખરેખર જેનું કામ ગુનો બનતો અટકાવવાનું છે તે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમની નિષ્ફળતા નોંધપાત્ર છે. આ બન્ને બ્રાંચની ટીમનું ગુપ્તચર તંત્ર પાંગળું પુરવાર થયું છે.

જ્યારે અમદાવાદમાં હાર્દિક સહિત પાસના નેતાની અટકાયત કરવામાં આવી ત્યારે જ સુરતમાં વિરોધનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. પ્રારંભે પાંચ-પંદર લોકો મિનિબજારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરતા હતા. તે વખતે જ ખરેખર તો પોલીસે પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવો જોઇએ. તેના બદલે બન્યું એવું કે કચરાપેટી ઉંધી વાળી દીધી, રસ્તા પર પથ્થરો ગોઠવી દીધા ત્યારે શહેર પોલીસ હાંફળી ફાંફળી થઈ ગઈ અને પોલીસનાં ટોળે ટોળાં આ વિસ્તારમાં ઉથરી પડ્યાં. ત્યારે સવાલ એ છે કે પોલીસે જો થોડી પણ સાવધાની રાખી હોત તો બસ સળગતી અટકી શકી હોવા ઉપરાંત તોડફોડના બનાવો પણ બન્યા ન હોત.

પોલીસ સદંતર નિષ્ફળ રહી તેની પાછળનું સૌથી મોટું અને એક માત્ર કારણ છે બાતમીદારોનો અભાવ. કોઇ એક પણ માણસ પોલીસ પાસે આવીને વાત કરવા તૈયાર નથી. બાતમીદારો ન હોવાના કારણે સાચી વાત પોલીસ સુધી પહોંચતી જ નથી. એનું સૌથી મોટું ઉદાહરણ હોય તો રવિવારનું જ છે. રવિવારે સાંડે સાડા પાંચ છ વાગ્યે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં પાટીદારોએ આજે રાત્રે તાપણું કરવું છે તેવો કોડવર્ડમાં મેસેજ મૂક્યો હતો. તાપણું એટલે આગ ચાંપવાની ઘટના બનશે તેવા મેસેજ ફરતા થયા તે પોલીસના ધ્યાન પર જ ન આવ્યા. અથવા પોલીસના ધ્યાન પર આવ્યા તો પોલીસે તે મેસેજને નજરઅંદાજ કર્યા. જે હોય તે પણ પોલીસ તોફાનોની ઘટનાને અટકાવી ન શકી તે વરવી વાસ્તવિકતા છે. હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળેલી પોલીસે વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, મોટા વરાછા સહિતના પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે!

તાપણું કરવું છે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવા છતાં પોલીસે આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં. પાસના કાર્યકરોએ બલને આગ ચાંપવા માટે તાપણું કોડવર્ડ નક્કી કર્યો હતો. આમ છતાં પોલીસ આ મેસેજના માધ્યમથી આગચંપી સહિતના તોડફોડના ગુના ન અટકાવી શકી તે ન જ અટકાવી શકી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.