સ્વ.ગલબાભાઈ પટેલે ગણિતના હિસાબો આંગળીના વેઢે ગણવા માંડ્‌યા, જાણે જીવનના દાખલા ઉકેલતા ન હોય… !

ગુજરાત
ગુજરાત

સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેઓના કાકા દલુભાઈ પટેલ અને મેનાકાકી તરફથી લાગણીભરી હૂંફ મળી રહેતી અને પોતાનો દીકરો હોય તેવી રીતે ઉછેર કરતાં હતાં. 
સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પશુધન ચરાવવા માટે જતા ત્યાં પણ પોતાના મિત્ર ગલબાભારથી પાસે બેસીને ભણતર ભણતા તેના લીધે પશુધન તરફ ઓછું ધ્યાન અપાતું હતું. આ બાબતને તેઓના કાકા દલુભાઈ પટેલ જાણતા હતા. 
પશુધન ચરાવવાની સાથે ભણતરનું વધારે ધ્યાન આપી શકે નહીં. દલુભાઈ પટેલ સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું શરીર જોઈને વિચારે ચડી જતા હતા, કારણકે ગલબાભાઈનું શરીર પણ ખૂબ જ દૂબળું-પાતળું  હોવાથી  વધારે શારીરિક શ્રમ કરી શકે તેવું સક્ષમ ન હતું. 
ગલબાભાઈના કાકા દલુભાઈ પટેલ વિચારતા કે, ‘‘ દૂબળું અને કોમળ ફૂલ જેવું  શરીર હળ કેવી રીતે હાંકી શકશે ? ખેતી કામ કેવી રીતે કરી શકશે અને હળનો ભાર કેવી રીતે ખેચશે ? તેવા અનેક પ્રશ્નો ઉદભવતા હતા. ગલબાભાઈ પટેલના પિતા નાનજીભાઈ પટેલ જીવતા હોત તો વાત જુદી હતી. તેના જીવનનો વિકાસ થાય તેના માટે કંઈ’ક  નવી રીતે સતત વિચાર તેમણે કર્યો હતો.’’ 
કાકા દલુભાઈ પટેલ એ વાતને સારી રીતે જાણી ચૂક્યા હતા કે  ‘હવે ગલબાને ભણવું છે’ ગલબાભાઈ પટેલના કાકા દલુભાઈ પટેલ પણ જાણતા હતા કે ‘ગલબો’ બે-ત્રણ ચોપડી ભણે તો તેનું ભાગ્ય ખૂલી જાય એમ વિચારીને તેઓને નળાસર બાજુમાં આવેલ મજાદરની ગામડાંની શાળામાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં બે ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. 
ત્યાં અભ્યાસ પૂરો કરીને ગલબાભાઈ પટેલને આગળ ભણવાની ઇચ્છા હતી. તેમણે જીવનનાં અનેક સપના સજાવ્યા હતા. સપના પૂરા કરવા માટે આગળ ભણવાની ધગશ હતી. ત્યારે ગલબાભાઈને પોંહાળ વાસણામાં ભણવા માટે  મૂકવામાં આવ્યા, વાસણાથી માત્ર દોઢ કિલોમિટર દૂર કાણોદરમાં મોટી શાળા આવેલી હતી અને ત્યાં સાત ચોપડી સુધીનો અભ્યાસ હતો.
ગલબાભાઈ પટેલની ઉંમર ૧૩ વર્ષની આજુબાજુ થઇ ચૂકી હતી. હવે કાકા-કાકીની છત્ર છાયા છોડીને, નવા ઉમંગ સાથે પોંહાળમાં મૂળી માસીને ત્યાં રહેવાનું નક્કી કર્યું હતું. મૂળી માસી વિધવા હતા. ગલબાભાઈ પટેલમાં જાણે મૂળી માસીને પણ વ્હાલભર્યું  મીઠું સરોવર મળી ગયું ન હોય…!
ગામડાંમાં દીકરાને ભણવા માટે બેસાડવાના હોય ત્યારે મુહૂર્ત જોવામાં આવતા હોય છે, એવી જ રીતે ગલબાભાઈને સ્કૂલમાં મોકલવામાં માટે વળાવવા        આવ્યા હતા.
વાસણોનો એક અગમ બુદ્ધિશાળી અને અલગ દ્રષ્ટિકોણ ધરાવનાર વાણીયો રહેતો હતો. તેનું નામ બેચરભાઈ હતું. બેચરભાઈએ ગલબાભાઈ પટેલના કપાળમાં જાણે લખેલ ભવિષ્ય વાંચી લીધું હોય તેવું લાગ્યું, કપાળમાં લખાયેલી વાંકી-ચૂકી રેખાઓમાં જાણે જીવન ઘડતરના પાઠ લખેલા હોય તેવું દેખાઈ આવ્યું હતું. પરંતુ ગલબાભાઈને બેચરભાઈએ વગર પગારનો વાણોતર બનાવી દીધો ન હોય…! ગલબાભાઈને જીવન તરફ જોવાની દ્રષ્ટિ અલગ હતી. તેઓને પોતાના ભવિષ્યનું જાણે નવી દિશા તરફ  ઘડતર કરવાનું નક્કી કર્યું હતું. ગલબાભાઈએ ખેતી તરફ લક્ષ આપવાને બદલે બૌદ્ધિક વિકાસ થાય તે તરફ ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. 
જિંદગીનું ઘડતર કોઈ એક સીડી પર ચડવાથી થતું નથી, કારણ કે જીવન પ્રતિપળ અનેક રંગ બદલતું રહે છે. તેના કોરા કેનવાસ પર રંગ ભરવાથી જે ચિત્ર નિર્માણ થાય છે તે ખૂબ જ સુંદર હોય છે.  બસ, ગલબાભાઈની જિંદગીમાં પણ આવું જ થયું હતું. તેઓની પાસે માત્ર કોરી જિંદગી હતી. સતત પ્રયત્નથી ગલબાભાઈએ નવી જિંદગીનું નિર્માણ કર્યું હતું. જયારે ગલબાભાઈએ બહેચરભાઈ સાથે કામ કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ દિવસ જીવનમાં સંકુચિત વિચાર  રાખ્યા વગર તેઓની દ્રષ્ટિ હંમેશાં શ્રેષ્ઠતા તરફ રહી હતી. ભલે કામ ગમે તેટલું નાનું હોય પણ જે કામ કરીએ તે શ્રેષ્ઠ કરવું જોઈએ. આ કાદાચ ગલબાભાઈએ પોતાની જિંદગીનો મંત્ર સાર્થક        કર્યો હતો.
ગલબાભાઈ પટેલે જિંદગીની ક્ષિતિજો  નવા રંગો સાથે રંગવાની કોશિશ કરી હતી. બેચરભાઈને ત્યાં સવારમાં ઊઠીને દુકાન ઉપર પહોંચી જાય અને દસ વાગ્ય સુધી ખંતપૂર્વક કામ કરે અને પછી જમીને કાણોદરની નિશાળમાં  ભણવા જાય અને સાંજે સ્કૂલથી છૂટીને ઘેર આવીને ફરીથી રાત્રિએ બેચરભાઈને ત્યાં ઝાડું પણ કાઢે, વાસણ માંજે અને ખાટલાની પથારી કરી લેતા હતા. કોઈને ત્યાં જમવા જાય ત્યાં પોતાનું વાસણ જાતે જ સાફ કરવામાં કોઈ પ્રકારનો સંકોચ પણ અનુભવતા ન હતા.
સ્વ. ગલબાભાઈ પટેલ આધ્યામિક ગુણો ધરાવતા હતા. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં રસ હતો. માત્ર બાર વર્ષની ઉંમરે તો ગલબાભાઈ પટેલ શ્રાવણ માસમાં મહાભારતની કથાઓ તરભોવન ગોરની પાસે જઈને ધ્યાનમગ્ન થઇને સાંભળતા હતા. એ કથા જાણે ગલબાભાઈના હૃદયને સ્પર્શી ગઈ હતી. ગલબાભાઈએ તો જાણે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો કર્મનો સિદ્ધાંત બાળપણથી જ કંઠે કરી લીધો ન હોય તેવું તેઓના જીવન પરથી જાણી શકાય છે. 
ક્યારેક તો તરભોવન ગોર શ્રાવણ મહિનામાં મહાભારત વંચાવતા
આભાર – નિહારીકા રવિયા  અને ગલબાભાઈ ખૂબ જ નાની ઉંમરે પણ  શાસ્ત્રોનો અભ્યાસ કર્યો  હતો. જેમાં ભાગવત, રામાયણ અને ગીતા જેવા ગ્રંથો સામેલ છે. ધાર્મિક કથાઓ માણસમાંથી માણસાઈ તરફ લઇ જાય છે. તેના પ્રભાવથી માણસનું ચિત્ત પણ શુદ્ધ બનતું હોય છે. તે બધું ગલબાભાઈના  જીવનમાં દેખાઈ આવતું હતું.  સાંજના સમયે તરભોવન ગોરની તબિયત બગડી હતી. તેવા સમયે સ્નેહીજનોએ ગઢના દવાખાને લઇ જવાની વાત કરી પણ તેમણે તો આ વાત સાંભળીને સગાં સંબંધીઓને કહી દીધું કે જાણે ભવિષ્યવેત્તા હોય એવી રીતે, ‘‘આજથી છ મહિના પછી અષાઢ સુદ ૧૪ના દિવસે  સમી સાંજના સમયે તેઓ દેવલોક પામશે. હવે દવાની કોઈ જરૂર નથી. આ શરીરમાંથી આત્મા નીકળીને સ્વર્ગ તરફ પ્રયાણ કરશે.’’ એવું કહેવાય છે કે તરભોવન ગોર જે બોલતા તે સાચું પડતું અને બોલેલું પાળતા. તેમની વાણીમાં એક પ્રકારે સત્ય છૂપાયેલું હતું, જાણે તેઓના દરેક શબ્દ પર સત્યની સવારી હોય એવું લાગતું હતું. તેમણે કહેલું કથન સાચું પડ્‌યું હતું. તરભોવન ગોર સ્વર્ગસ્થ થયા. ગલબાભાઈ તો તરભોવન ગોરને ગુરુ માનતા હતા. તરભોવન ગોર એ  તેમના  જીવનમાં એક પ્રકારનું પ્રેરણાબિંદુ હતાં. ગલબાભાઈના જીવનમાં  ધીમે ધીમે ઘડતર થઇ રહ્યું હતું. તરભોવન ગોરની ધાર્મિક વાતોથી કદાચ ગલબાભાઈને સત્ય, ધર્મના ગુણોની જીવનમાં અનુસરણ કરવા માટેની પ્રેરણા મળી હશે.
બેચર શેઠે ગલબાભાઈની તેજસ્વી બુદ્ધિ સમજી લીધી હતી, તેના કપાળમાં લખેલી ભવિષ્યની રેખા વાંચી લીધી હતી. ગલબાભાઈ પટેલે વાસણામાં કરીયાણાની એક દુકાન શરૂ કરી, બસ ત્યારથી ગલબાભાઈ પટેલે માત્ર ત્રણ ધોરણ ભણીને અભ્યાસ છોડી દીધો હતો.
આમ સ્વ. ગલબાભાઈ પટેલે  ગણિતના હિસાબો આંગળીના વેઢે ગણવા માંડ્‌યા, જાણે જીવનના દાખલા ઉકેલતા  ન હોય… !

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.