મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ કોરોના પોઝીટીવ વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ

પાટણ
પાટણ

સમોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાવની સારવાર માટે ગયેલા આ વ્યક્તિએ પોતે સ્થાનિક હોવાનું જણાવ્યું હતું
 
પાટણ
સિદ્ધપુર તાલુકાના કોવીડ ૧૯ પોઝીટીવ વ્યક્તિ સામે પોતે મુંબઈથી આવ્યો હોવાની વાત છુપાવી બેદરકારી દાખવવા બદલ સમોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
 
કોરોના વાયરસ સંક્રમણની સંભાવનાઓને રોકવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનના કડક અમલીકરણ સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપી કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી મુશ્કેલી અનુભવાય તો તંત્રનો સંપર્ક કરવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે મુંબઈથી આવી સિદ્ધપુર ખાતે રહેતા કોવીડ ૧૯ ટેસ્ટ પોઝીટીવ આવેલા વ્યક્તિએ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હોવાનું સામે આવ્યું છે. તા.૧૯ માર્ચના રોજ સિદ્ધપુર આવ્યા બાદ તાવની અસર જણાતા સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવેલ આ વ્યક્તિને તેની ટ્રાવેલ હિસ્ટ્રી પુછતાં પોતે સ્થાનિક હોવાનું જણાવ્યું હતું. આ ગંભીર અને જોખમકારક રોગનો ચેપ ફેલાવવાનો સંભવ હોવા છતાં પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ સમોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરશ્રી દ્વારા તેની સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
 
આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ઘટે અને આગળ વધતું અટકે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નાગરીકોએ પણ આ બાબતને ગંભીરતાથી લઈ પોતાના આરોગ્યને લગતી તમામ સાચી માહિતી પૂરી પાડવી જરૂરી બને છે. પોતાની સાથે પોતાના પરીવાર અને આસપાસના લોકોના જીવનને કોવીડ ૧૯ના જોખમથી બચાવવા માટે જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવો એ નાગરીક તરીકે સૌની પ્રાથમિક ફરજ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.