અંબાજીના માર્ગો પર ઉમટયો શ્રધ્ધાનો સાગર, મેળાના બીજા દિવસે 3.25 લાખ શ્રદ્ધાળુઓએ મા ના દર્શન કર્યા

 
 
યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બની રહ્યા છે. તાજેતરમાં થયેલ સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો ઉત્સાહભેર અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં ઝરણાઓ પણ વહેતા હોવાથી યાત્રિકોને ન્હાવા-ધોવાની ખુબ સારી સુવિધા પ્રકૃતિના સાંનિધ્યમાં જ મળી રહી છે. હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે અને મેળો સોળે કળાએ જામવા માંડશે તેમજ અંબાજી તરફ જતા બધા રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ જોવા મળશે.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર પીવાનુ પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા, વિસામા કેન્દ્રો અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ઠેરઠેર જોવા મળે છે. અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઇ યાત્રિકોએ સરાહના કરી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી સંદીપ સાગલે મેળાની સમગ્ર પરિસ્થિતી પર ઝીણવટભરી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે સ્પેશ્યલ ટીમો મુકીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ-સુથરા અને સ્વચ્છ બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાનીસરાહના કરી છે. દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે.......... જય જય અંબે............. ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના  રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે. રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા-નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.