પોલીસ કોન્સ્ટેબલે ખાણી-પીણીના વેચતા લોકો પર કર્યો લાઠીચાર્જ, PIએ માફી માંગવી પડી

વડોદરામાં પોલીસ પ્રજાનો મિત્ર છે, આ વાતને સાર્થક કરવા માટે વડોદરાના પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ કોન્સ્ટેબલોને અવાર-નવાર સમજાવે છે કે, પ્રજા સાથે સારુ વર્તન કરવું. પરંતુ કોન્સ્ટેબલો શેઠની શિખામણ ઝાંપા સુધી...ની કહેવત સાર્થક કરી રહ્યા છે. ગુરૂવારે રાત્રે સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલે માંડવી રોડ ઉપર પી.આઇ.ની હાજરીમાં ખાણી-પીણી વેચતા અને સ્થાનિક લોકો ઉપર લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઇ હતી. પોલીસના વર્તન સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી ઇન્ચાર્જ પી.આઇ.એ માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો.
 
પ્રાપ્ત માહિતી પ્રમાણએ ગુરૂવારે રાત્રે સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એસ.બી. નિનામા સ્ટાફ સાથે માંડવી રોડ ઉપર ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. પી.આઇ. ગાડીમાં બેઠા હતા. અને ગાડીનો ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ નીચે ઉતરીને લાકડી પછાડી પાપડીનો લોટ, ખીચુ, ચોરાફળી, પાન-પડીકી, જેવી વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરનારાઓને અપશબ્દો બોલીને બંધ કરાવી રહ્યા હતા.
 
ડંડો પછાડતા અને અપશબ્દો બોલતા રોડ પર દોડેલા પોલીસને જોઇ લોકોએ પણ દોડધામ કરી મૂકી હતી. પોલીસ જવાન વિક્રમભાઇએ ડંડો પછાડીને ડરનો હાઉ ઉભો કરવાના બદલે હાથમાં આવી ગયેલા લોકો ઉપર લાઠીચાર્જ કરતા લોકો રોષે ભરાયા હતા. પોલીસ જવાને લાઠી ચાર્જ કરતા જ ટોળુ એકઠું થઇ ગયું હતું. લોકો એકઠા થતાં જ ગાડીમાં બેસી રહેલા પી.આઇ. પરિસ્થીતી જોઇ ગાડીમાંથી બહાર આવ્યા હતા.
 
બીજી બાજુ લોકોનું ટોળુ મોટુ એકઠુ થતા ગભરાઇ ગયેલા પોલીસ જવાન વિક્રમભાઇ પસાર થઇ રહેલી ઓટો રિક્ષામાં બેસી સ્થળ પરથી રવાના થઇ ગયો હતો. પોલીસ જવાન રવાના થઇ જતા લોકોએ ગાડીમાં બેસી રહેલા ઇન્ચાર્જ પી.આઇ. એસ.બી. નિનામાનો ઘેરાવ કર્યો હતો. અને પોલીસ કોન્સ્ટેબલે કરેલા વર્તન સામે રોષ ઠાલવ્યો હતો. તમામ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.