02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / વટવા, ઈસનપુર, દાણીલીમડા, મણિનગર, નારોલમાં પોલીસ ત્રાટકી

વટવા, ઈસનપુર, દાણીલીમડા, મણિનગર, નારોલમાં પોલીસ ત્રાટકી   06/08/2018

અમદાવાદ: ગરેકાયદે દબાણો અને આડેધડ પાર્કિગની સમસ્યા દૂર કરવા માટે શહેરમાં મોટાપાયે ધમસાણ ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી પૂર્વમાં આવેલા પાંચ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલાં વાહનો ડીટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

ઝોન ૬ ડીસીપીની અગેવાની હેઠળ ૩૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ વટવા, ઇસનપુર, દાણીલીમડા, કાગડાપીઠ, મણિનગર, નારોલ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કરીને બેઠેલા લોકોને નોટિસ પાઠવી હતી. જ્યારે સંખ્યાબંધ વાહનચાલકોને મેમો આપ્યો હતો અને કેટલાક વાહનો ડીટેઇન કર્યાં હતાં.

છેલ્લા ઘણા દિવસોથી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે અને પાર્કિગની સમસ્યા દૂર કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે.

શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી. જેના કારણે હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઊધડો લીધો હતો.

હાઇકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાનો અને ગેરકાયદે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. આજે સવારે પોલીસે પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, નારોલ, ઇસનપુર, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

એક ડીસીપી, ત્રણ એસીપી, સાત પીઆઇ અને ૩૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ પાંચ વિસ્તારોમાં મેગા ઓપરેશન કર્યું હતું. જેમાં સંખ્યાબંધ વાહનો ડીટેઇન કર્યાં હતાં, જ્યારે ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી અને ૨૪ કલાકમાં દબાણ હટાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું.

પોલીસે બે ટીમ બનાવી હતી. જેમાં એક ટીમે દાણીલીમડાથી નારોલ સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યારે બીજી ટીમે કાગડાપીઠથી વટવા સુધીનું ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે અડચણરૂપ બનતાં દબાણો દૂર કર્યાં હતાં જ્યારે ગેરકાયદે વાહનોને ડીટેઇન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પોલીસે સારંગપુરથી બાપુનગર સુધીનું મેગા ઓપરેશન શરૂ કર્યું હતું જ્યારે ત્યાર બાદ અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કામગીરી કરી હતી. આજે અંદાજીત ૧૦૦ કરતા વધુ વાહનો પોલીસ ડીટેઇન કરે તેવી શક્યતા છે જ્યારે સંખ્યાબંધ ગેરકાયદે દબાણને નોટિસ આપી હતી.

Tags :