બનાસકાંઠામાં કોંગ્રેસની ટિકિટ માટે ''લક્ષ્મી"નો સહારો,ઉમેદવારની જાહેરાત પૂર્વે જ ઘમાસાણ

બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ ઉચકાતા જતા તાપમાનના પારા વચ્ચે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. રાજકીય પક્ષો પણ આ વખતનો જંગ જીતવા એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે. વળી, ચૂંટણીની મૌસમમાં 'આયારામ, ગયારામ' ની મૌસમ પણ પુર બહારમાં ખીલી છે ત્યારે આવી આબોહવાની અસર બનાસકાંઠામાં પણ ગુપ્ત અહેસાસ કરાવી રહી છે. ભાજપમાં બનાસકાંઠા બેઠકના ઉમેદવારની જાહેરાત બાદ કકળાટ થોડો સમવા લાગ્યો છે જ્યારે કોંગ્રેસમાં તો ઉમેદવારની જાહેરાત પૂર્વે જ ઘમાસાણ મચ્યું છે. જનસમુહને પ્રત્યક્ષ રીતે થઈ રહેલા અહેસાસને જ વાચા આપવાનો અખબારી ધર્મ નિભાવિયે તો આ વખતે બન્ને પક્ષને જનાદેશ માટે મતદારોના મન જીતવા કરતાંય રિસાયેલા પોતીકા ઓને મનાવવામાં જ વધુ પરસેવો પાડવો પડે એવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઉમેદવાર પસંદગીથી લઈ તમામ ઘટનાક્રમો બાબતે આ વખતે બનાસકાંઠા બેઠકની ચૂંટણી કદાચ ઐતિહાસિક પુરવાર થઈ રહી છે. ભાજપે આ બેઠક પર છેલ્લે છેલ્લે તો સાહસ કરી દઈ ફરી ચૌધરી સમાજને જ ટિકિટ આપી દીધી છે.આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ હોવાની વાતોએ પક્ષની નેતાગીરીની ચિંતા વધારી દીધી છે. જોકે ભાજપની આવી સ્થિતિએ કોંગ્રેસને પણ રણનીતિ બદલવા માટે નવેસરથી વિચારવા મજબુર કરી દીધી છે.
ચૂંટણી વખતે રાજકીય પક્ષોનાં નાક દબાવવાં એ કઈ નવી વાત નથી પરંતુ આ વખતે ક્યાંકને ક્યાંક અતિરેક થઈ રહ્યો છે. ક્યાંક સામાજિક તાકાતને હથિયાર બનાવાઈ છે તો ક્યાંક તિજોરીની તાકાત આગળ કરાઈ રહી છે.
વિવાદ વચ્ચે પણ ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરી દઈ તણાવના પ્રથમ તબક્કામાંથી બહાર નીકળી ગયો છે એટલે જ પક્ષની ટિમ હવે નવરાશથી નવા આયોજનો ગોઠવી રહી છે જ્યારે કોંગ્રેસની ટિમ હજુ ય ઉમેદવારના નામ પર મહોર મારવામાં ગોથે ચઢી છે. આવી અનિર્ણાયક સ્થિતિ કાર્યકરોના આત્મબળને પણ પ્રભાવિત કરે તેવી વકી હોવા છતાં પક્ષ ટિકિટ જાહેર કરવામાં વિલંબ કરી ઇરાદાપૂર્વક પણ આ જોખમ ઉઠાવી રહ્યો છે ત્યારે આ રાજરમત પાછળ કોઈ પાવર કામ કરી રહ્યો હોવાના ગણિત ચોરે ને ચૌટે મંડાઈ રહ્યા છે. ભાજપને પણ ઉમેદવાર પસંદગીમાં રાજકીય મજબૂરી જ નડી છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ લાગતી નથી પરંતુ કોંગ્રેસને હજુ કઈ મજબૂરી નડી રહી છે ? એવો અનિયાળો સવાલ પણ હવે જાગૃત લોકો માની રહ્યા છે.જો કોંગ્રેસ સામાજિક સમીકરણોને પૂરો ન્યાય મળે એ રીતે બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર પસંદ કરવા માંગતો હોય એ બાબતને માની લઈએ તોય ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ગયા બાદ પણ સામાજિક સમીકરણ જાણવામાં આટલો સમય લાગે તો બે બાબતો સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. પ્રથમ તો કોંગ્રેસની પૂર્વતૈયારીમાં  જ કચાશ હોવાનો મેસેજ જઇ રહ્યો છે જ્યારે બીજી વાત વધુ ગંભીર જણાઈ રહી છે.કર્ણોપકર્ણ ચર્ચાતી વાતો કઈક એવી છે કે કોંગ્રેસની ટિકિટની ફાળવણીમાં વિલંબ પાછળ પણ કોઈ 'પાવર' ઇરાદાપૂર્વક વિલંબ માટે મજબૂર કરી રહ્યો છે. કહેવાય છે કે કોંગ્રેસની ટિકિટ માટે ફરી 'સાહેબ' બનવા ઝંખના પુરી કરવા માટે પૈસાના પાવરથી પંજા પર હાવી થવાની મથામણ ચાલી રહી છે. બનાસકાંઠા બેઠકના કાર્યકરો પણ આ ગડમથલ નજરે નિહાળી રહ્યા છે પરંતુ આ વખતે કોઈ અગમ્ય મજબૂરી પક્ષને કાર્યકરોની લાગણી સામે પણ આંખ મીંચમણા કરવા મજબુર કરી રહી છે.જુના - નવા દાવેદારો નાણાંની કોથળીઓ સાથે દિલ્હી દરબારમાં પણ આંટાફેરા મારી રહ્યા છે તો ક્યાંક ક્યાંક પોતાની આભાશી આભા ઉપસાવવા પાછળ પણ સોશિયલ મીડિયા સહિતના અન્ય પ્લેટફોર્મ પર અદ્રશ્યપણે લખલૂટ ખર્ચો થઈ રહ્યો છે. બનાસકાંઠાના કાર્યકરોની કાકલૂદી સાંભળવાના બદલે ધારાસભ્યોની મૌખિક ભલામણો લેવાના નવા નુસખા સાથે બનાસકાંઠાના તમામ કોંગ્રેસી ધારાસભ્યો પણ પાળેલા પોપટની જેમ એક જ નામનું રટણ કરે એ પણ સ્વાભાવિક રીતે જ શંકા ઉપજાવે છે. ચૂંટણી લડવાનો અભરખો પૂરો કરવા માટે મથતા દાવેદારોએ આ વખતે કોંગ્રેસનું નાક પકડ્‌યું છે કે ગળું એ સાબિત કરવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે કારણ કે નાક અને ગળા બન્ને પરનું દબાણ શ્વાસ રૂંધી શકે ત્યારે કોંગ્રેસ આ વખતે ક્યાં ભીંસ અનુભવી રહ્યો છે એ તો ટોચની નેતાગીરી જાણે પણ હાલ પક્ષના કાર્યકરો તો નિત નવી વાતો કરી રહ્યા છે. 
ભાજપે બનાસકાંઠામાં ચૌધરી સમાજના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધા બાદ કોંગ્રેસ અન્ય મોટા સમાજ કે ઇત્તર સમાજોમાં સ્વીકાર્ય બને તેવા ઉમેદવારને મૂકી આ કોકડું ક્યારનું ઉકેલી શકી હોત પણ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ બનાસકાંઠામાં એક જ સમાજને સામસામે લાવવાનો જોખમી કીમિયો અપનાવવાની કોઈની સલાહ પર પક્ષે આંધળો વિશ્વાસ મૂક્યા બાદ ફરી સાહેબ બનવા ઇચ્છુકોએ પણ ટિકિટ મળવાના આશાવાદથી પ્રેરાઈ તેમની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી હોવાની પણ હવે સ્પષ્ટ પ્રતીતિ થઈ રહી છે. તમામ ધારાસભ્યોને પકડાવાયેલી એક જ સ્ક્રીપટ
આભાર - નિહારીકા રવિયા  અને મળતીયાઓ દ્વારા આભા ઉપસાવવાની આગોતરી કવાયતો ઘણું બધું કહી જાય છે.જો સામાન્ય નાગરિક પણ પડદા પાછળનો આ ખેલ પિછાણી શકતો હોય તો પક્ષ માટે નારાબાજી કરનારાઓની માનસિક હાલત કેવી હશે એ વિચારવાની કોઈ તસ્દી ના લે એ પણ એક કમનસીબી જ છે. ખેર, બનાસકાંઠા બેઠકની ટિકિટ માટે પંજાનો પાવર જીતે છે કે પૈસાનો એ જાણવા માટે કદાચ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યા સુધી રાહ જોવી પડે તો પણ કોઈ નવાઈ ના લાગે એવો માહોલ હાલ તો પોતાની મજબૂતાઈ જાળવી જ રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.