આ 8મું પાસ યુવકે 3 વખત રજનીકાંતની ફિલ્મ જોઇને 42 મહિનામાં બનાવી નાખ્યો રિમોટથી ચાલતો રોબોટ

શ્રીગંગાનગર જિલ્લાના લુણિયા વિસ્તારનો રાજકુમાર. તેની ઉંમર હશે માંડ 25 વર્ષ. તે ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણ્યો છે પરંતુ સપના કોઈ વૈજ્ઞાનિક જેટલાં ઊંચાં છે. દર વખતે કંઇક નવું કરવાનો ઉત્સાહ ધરાવે છે. તાજેતરમાં જ રાજકુમારે લાકડાનો રોબોટ બનાવ્યો છે. રિમોટથી સંચાલિત આ રોબોટ 6 ગ્લાસ અને જગ ઉઠાવી શકે છે. તેમાં પંખો, ટીવી, મ્યુઝિક સિસ્ટમ અને લાઇટ પણ લાગેલી છે જે બધા રિમોટથી ચાલે છે. આ રોબોટ ફિલ્મ અભિનેતા રજનીકાંતથી પ્રભાવિત થઈને બનાવવામાં આવ્યો છે. જ્યારે હૃતિક રોશનથી પ્રભાવિત થઈને બાઇક પર સ્ટંટ કરવાનું શીખ્યું છે. રાજકુમારના પિતા કાશ્મીરસિંહ મજૂરી કરે છે, જ્યારે માતા મનરેગામાં શ્રમિક છે. રાજકુમાર પોતે લાકડાનો મિસ્ત્રી છે. પોતાના હાથે બનાવેલા લાકડાના વેલણ, કપડાં ધોવાનો ધોકો, મીઠું રાખવાની ડબ્બી વેગેર ચીજો ફેરી લગાવીને આસપાસના લોકોને વેચે છે. ઘર કાચું છે, પોતાની કોઈ જમીન નથી. આખો પરિવાર મજૂરી કરીને પેટિયું રળે છે.
 
રાજકુમારે  વાતચીતમાં જણાવ્યું, "વાત એ વખતની છે જ્યારે મેં આઠમું ધોરણ પાસ કર્યું હતું. ત્યારે ઘરમાં બહેનના લગ્ન નક્કી થઈ ગયા હતા. ઘરની પરિસ્થિતિ એવી હતી કે ખાવા માટે અનાજ નહીં અને પહેરવા માટે કપડાં ન હતા. માતા-પિતા મજૂરી કરીને ઘર ચલાવતા હતા. લગ્ન માટે પૈસા પણ જોઇતા હતા, પરિણામે મારે મજબૂરીમાં ભણવાનું છોડીને મજૂરી કરવી પડી."
 
"કોઇક રીતે બહેનના લગ્ન કર્યા. દેવું ઉતારવા માટે પણ પૈસા જોઇતા હતા. જેમ-તેમ દિવસરાત મહેનત કરીને અમે દેવું ઉતાર્યું. આ દરમિયાન હું લાકડાનું કામ શીખી ગયો. ઘરમાં વીજળી ન હતી. ચાર વર્ષ પહેલાં મારી બહેન અને તેના ત્રણ બાળકો અમારે ત્યાં આવ્યા હતા. હું દિવસના સમયે બહાર ઝાડ નીચે સૂતો હતો. ખૂબ ગરમી હતી. બે ભાણી અને એક ભાણિયો ગરમીથી અકળાઈ રહ્યા હતા. મેં વિચાર્યું, એક એવું યંત્ર બનાવવામાં આવે જે હવા પણ આપે અને બીજા કોઇ કામમાં પણ આવી શકે."
"મેં એક વખત રજનીકાંતની ફિલ્મ રોબોટ જોઈ હતી. તેને બે વાર ફરીથી જોઈ અને રોબોટ બનાવવાનું નક્કી કરી લીધું, પરંતુ પૈસા ન હતા તો લાકડીનો રોબોટ બનાવવાનું શરૂ કર્યું. 42 મહિનાની આકરી મહેનત પછી મેં રોબોટ તૈયાર કર્યો. રોબોટ બનાવવામાં લાકડી, ડિસ્પોઝલ, સિરિંજ, સોય, સાયકલ, બાઇક અને ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કર્યો છે." 
"હવે મારો રોબોટ કોઇને પાણી અને ચા આપી શકે છે. તેમાં નીચે ટાયર લાગ્યા છે અને દરેક પર બ્રેક છે. ગરમીથી બચવા તેમાં પંખો લગાવવામાં આવ્યો છે જે બેટરીથી ચાલે છે. ટીવી અને મ્યુઝિક સિસ્ટમ પણ લગાવી છે. બધું રિમોટથી ચાલે છે. રોબોટ 4.5 ફૂટ ઊંચો છે અને તેનું વજન 45 કિલો છે."
"આ રોબોટ ચીજવસ્તુઓને જાતે ઉઠાવે છે અને તેમાં લાગેલી ડીસી મોટરો પણ મેં જાતે બનાવી છે. તેને બનાવવામાં જે 65 હજાર રૂપિયા લાગ્યા છે, તે બધાં મજૂરી કરીને બચાવ્યા છે. જો મને આર્થિક મદદ મળે તો હું રોબોટને વધુ સારી રીતે અને વધુ ટેક્નીક વાળો બનાવી શકું છું."
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.