બનાસકાંઠામાં ભાજપની માઈન્ડ ગેમ, શંકરભાઈ ચૌધરી બાદ પરબતભાઈ પટેલની ‘ના’ચકરાવે ચઢાવી રહી છે

બનાસકાંઠા બેઠકના ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત થવાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને ગુજરાતની  ૨૬ બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ મોડી રાત સુધીમાં જાહેર થવાની પુરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી બાજુ, આ વખતે ભાજપ છાવણી 'માઈન્ડ ગેમ' માં પણ કોંગ્રેસ કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ છે.જોકે હરીફ છાવણીને ઉજાગરા કરાવવા માટે ખેલાતી આ રમત મતદારોને તો ઠીક, ખુદ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને પણ ચકરાવે ચઢાવી રહી છે.
ભાજપે ગુજરાતની ૨૬ પૈકીની ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે અને શુક્રવારે મોડી સાંજે દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના પ્રદેશ અગ્રણીઓની દિલ્હીમાં હાજરીના પગલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપ ગુજરાતની બાકીની ૨૬ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જોકે હાલ તો ૨૮ મી માર્ચ પૂર્વે ગુજરાતના બાકીના ઉમેદ વારોના નામ જાહેર થવાની શક્યતાઓ ખૂબ નબળી જ છે છતાં કદાચ કોંગ્રેસને ચોંકાવવાના ઇરાદે ભાજપના ઉમેદવારોના નામ વહેલા જાહેર કરી દેવાશે તો મહિનાઓથી ચાલી રહેલા અટકળોના દૌરને પણ વિરામ મળી જશે.
બનાસકાંઠા બેઠક માટે આ વખતે ઠાકોર સમાજે ટિકિટ માટે બન્ને મુખ્ય પક્ષોના ગળા પકડ્‌યા છે.ઠાકોર સમાજની આવી આક્રમકતા સ્વાભાવિક રીતે બન્ને પક્ષને અકળાવી રહી છે.બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ નિર્ણાયક બનતો હોઈ કોઈ પક્ષ ઠાકોર સમાજની દાવેદારી સામે આંખ મીંચમણા પણ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં સામાજિક સમીકરણો અને ખાસ કરીને ઠાકોર તેમજ ચૌધરી-પટેલ સમાજનો રાજીપો જળવાઈ રહે તેને કેન્દ્રમાં રાખીને બન્ને પક્ષના મોભીઓ મનોમંથન કરી રહ્યા છે. આ ગડમથલ વચ્ચે હરીફ છાવણીઓને હળવાશની કોઈ તક ના મળે એ માટે અદ્રશ્યપણે માઈન્ડ ગેમ પણ પુરજોશથી ખેલાઇ રહી છે.લોકસભા ચૂંટણીનું પરિણામ ભલે આવે પરંતુ ઉમેદવાર પસંદગીના મામલે અવનવી ચર્ચાઓના પડીકા ફેંકી મતદારો તો ઠીક, ખુદ પક્ષના કાર્યકરો અને દાવેદારોને પણ ઉલઝાવી રહેલી ભાજપ છાવણી આવી માઈન્ડ ગેમમાં બેશક કોંગ્રેસ કરતાં આગળ જ નીકળી ગઈ છે.
બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની પસંદગીના મામલે હજુ સુધી કોઈ મોટું પડીકું આવ્યું નથી પરંતુ ભાજપમાં તો પળેપળે નવા નવા અહેવાલો વહેતા થઈ રહ્યા છે. અગાઉ બનાસકાંઠા ભાજપના ઉમેદવાર તરીકે પરથીભાઈ ભટોળના નામને આગળ કરાયા બાદ શંકરભાઈ ચૌધરીનું નામ મજબુત દાવેદાર તરીકે વહેતુ કરાયું હતું.વચ્ચે પ્રવીણભાઈ કોટક પર પસંદગીનો કળશ ઢોળાવાની મજબૂત શક્યતાઓ વ્યક્ત કરતા અહેવાલો પણ બહાર આવ્યા હતા.જોકે શંકરભાઈ ચૌધરીએ તેમની દાવેદારી પાછી ખેંચી લીધી હોવાના અહેવાલો બાદ ગતરોજ બનાસકાંઠા બેઠક પર ભાજપ ગુજરાત સરકારના મંત્રી પરબતભાઇ પટેલને અજમાવે તેવા અહેવાલો વહેતા કરાયા હતા. જોકે રાજકારણમાં અજાતશત્રુ મનાતા પરબતભાઇ પટેલે ત્વરિત પ્રતિક્રિયા આપી દઈ પોતે થરાદ અને ગાંધીનગર છોડી દિલ્હી જવા માંગતા નથી એવી સ્પષ્ટતા કરી દઈ થરાદ વિસ્તારના મતદારોના દિલ જીતી લેવા સાથે પોતાનું નામ ચર્ચામાં આવ્યા બાદ ઉચાટ કરવા મંડેલા અન્ય દાવેદારોની ચિંતા એક ઝાટકે દૂર કરી દઈ પોતાની રાજકીય કુનેહ પણ છતી કરી છે. જો પરબતભાઇ પટેલ લોકસભા લડી દિલ્હી જાય તો થરાદ બેઠક ખાલી પડવાની સ્થિતિમાં શંકરભાઈ ચૌધરી માટે વાવના બદલે વાયા થરાદ થઈ ગાંધીનગર પહોંચવાનો માર્ગ મોકળો બને તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ હોઈ પરબતભાઇ પટેલનું નામ વહેતા થતાં નવા નવા સમીકરણો પણ ચર્ચાવા લાગ્યા હતા. જોકે શંકરભાઇ બાદ પરબતભાઇ પટેલે પણ લડવાની આડકતરી રીતે ના પાડી દીધી છે.
જીતની મજબૂત શક્યતા ઓ વચ્ચે પણ ભાજપની ટિકિટ માટે બબ્બે મહાબલીઓનો ઇનકાર પણ હવે શંકા જ ઉપજાવી રહ્યો છે.પ્રથમ તો નામ ચર્ચાવાની કે ઇન્કારની વાતોના પડીકા દિલ્હીથી વહેતા કરવાની હાલ કોઈને નવરાશ હોય તેવું લાગતું નથી આવી સ્થિતિમાં આવા પડીકાં ફેંકી માઈન્ડ ગેમ રમવા માટે કોઈ ખાસ ટીમ કામે લાગી હોય તેવું બની શકે. જો અમારી આ શંકા સાચી હોય તો આવી ચર્ચાઓને બળ આપવાથી દૂર જ રહેવામાં શાણપણ છે પરંતુ જો આવા ગપગોળા ફેંકવા માટે કોઈ વ્યવસ્થા કાર્યરત ના જ હોય તો આ સ્ટ્રેટેજી ખુદ ભાજપને જ નુકશાન કરે અને આ માઈન્ડ ગેમ પક્ષ માટે જ નુકશાનકારક પુરવાર થઇ શકે છે.
ભાજપને એક જ બેઠક માટે વખતો વખત નવા નામોના પડીકા વહેતા કરવા પડતા હોય તો આ બાબત પક્ષની તાજી  મનોસ્થિતિનો પણ ચિતાર રજૂ કરી દે છે.આવી ચર્ચાઓથી ખુદ પક્ષ જ મૂંઝવણમાં હોવાનું પ્રતિપાદિત થઈ જાય છે. બીજી બાજુ રોજ નામ બદલાતા હોઈ છેવટે તો પક્ષ હરિભાઈ ચૌધરીને જ ફરી તક આપવાના મૂડમાં હોવાનું પણ ધીરે ધીરે સ્પષ્ટ થતું જાય છે. દિલ્હી જવાની કોઈ પણની મહેચ્છા હોય જ, છતાં બબ્બે મજબૂત દાવેદારોના નામ ચમકાવ્યા બાદ તેમની પાસે જ લોકસભા લડવાની 'ના' પડાવવાની આ ચાલ પણ માઈન્ડ ગેમનો ભાગ હોઈ શકે છે.આવી સ્થિતિમાં અંદરની સચ્ચાઈ ગમે તે હોય પણ આવી માઈન્ડ ગેમ હાલ તો હરીફો કરતા પક્ષના કાર્યકરોને જ વધુ અકળાવી રહી હોય એવું સ્પષ્ટ જણાય છે. શિસ્તના નામે પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો આ મામલે જાહેર બળાપો ભલે ના ઠાલવે, પણ કર્મઠ કાર્યકરો આ પદ્ધતિ પક્ષ માટે જ ઘાતક બને તેવો અંદેશો જરૂર વ્યક્ત કરી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.