02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે રૂ. ૧૫ નો વધારો

બનાસ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે રૂ. ૧૫ નો વધારો   24/07/2019

બનાસ ડેરી દ્વારા ડીસા નજીક દૂધ મંડળીઓનાં ચેરમેન-મંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બનાસ ડેરીનાં નિયામક મંડળનાં યુરોપ પ્રવાસ દરમ્યાન ખેતી- પશુપાલન સબંધિત જે નવીન ટેકનોલોજી તથા વ્યવસ્થાપનની જાણકારી તેઓએ મેળવી હતી તેનાથી સૌને અવગત કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત બનાસકાંઠામાં ૧૦ વર્ષમાં ૧૦ કરોડ વૃક્ષોનો ઉછેર કરવાના સંકલ્પ પર આગળ વધવા દૂધ મંડળીઓનાં ચેરમેન-મંત્રીઓ પણ આ પુણ્યકાજનાં વાહક બને તે માટે ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાઓની રૂપરેખાથી સૌને અવગત કરવામાં આવ્યા હતા.
 
પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નિયામક મંડળનાં વિદેશ પ્રવાસમાંથી મળેલી નવી માહિતી કે જેનું અમલીકરણ બનાસકાંઠામાં પણ શક્ય છે તેવી બાબતોથી સૌને અવગત કર્યા હતા. યુરોપનાં દેશોની આવી પ્રેરણાદાયી બાબતો આપણા જિલ્લાનાં અર્થતંત્રને વધુ બળ આપે તેવી હોઈ વૈશ્વિક પ્રવાહો અને દૂધના વ્યવસાયનાં ભવિષ્યને ધ્યાને લઇ આ નવીન વિચારોનાં અમલીકરણ બાબતે ભવિષ્યમાં સંગીન પ્રયાસો કરવામાં આવશે તેવું ચેરમેનએ ઉમેર્યું હતું. વધુમાં ચેરમનએ પશુઓની સંખ્યા વધારવાના સ્થાને પશુદીઠ દૂધ ઉત્પાદન વધે તે બાબત તરફ આપણે સૌએ ધ્યાન આપવું પડશે તેમ જણાવ્યું હતું. દૂધનું ઉત્પાદન વધારવા જીનેટિક મોડિફિકેશન, વિદેશની સંસ્થાઓ સાથે જોડાણ, ટેકનોલોજી અપગ્રેડેશન, બીજદાન અને ઓછાપાણીના વપરાશથી પોષક ઘાસની ખેતી, ગોબર ગેસ પ્લાન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ્સમાં આગળ વધવા માટે પ્રવાસ દરમ્યાન થયેલી ચર્ચાઓ ફળદાયી નીવડશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.  
 
વધુમાં યુરોપનાં દેશોનાં નાગરીકોનો સહજ નિરાભિમાની સ્વભાવ અને મોટી વયે પણ રાષ્ટ્રભાવ સાથે નાત-જાતનાં ભેદ વગર સતત પરિશ્રમ કરવાનો ગુણ ખૂબ પ્રેરણાદાયી હોવાનું ચેરમેનએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચેરમેનશંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને આનંદનાં સમાચાર આપ્યા હતા, તેઓએ દૂધનાં ભાવમાં રૂ. ૧૫નો વધારો અહીં જાહેર કરતાં દૂધ મંડળીઓનાં ચેરમેન-મંત્રીઓએ હર્ષભેર તેને તાળીઓથી વધાવી લીધેલ. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધનાં અગ્રેસર ભાવ ચુકવતી બનાસ ડેરી દ્વારા હવે કિલોફેટ દીઠ ખેડૂતો-પશુપાલકોને ચુકવાતાં રૂ. ૬૩૫ થી વધારીને હવે રૂ. ૬૫૦ થયેલ છે. વધુમાં જિલ્લા અને આપણા બાળકોના ભવિષ્ય માટે ચેરમેનશ્રીએ વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનો ઉછેર કરવા તથા તે થકી પણ ભવિષ્યમાં વધુ આવક મેળવવાનું દિશાસૂચન કર્યું હતું. 
 
આ કાર્યક્રમમાં બનાસ ડેરીના નિયામક મંડળનાં સભ્યઓ, ડેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિશાલ સંખ્યામાં દૂધ મંડળીઓનાં ચેરમેન-મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.    

Tags :