પાલનપુર હાઈવે પર આખલાએ એક્ટિવા સવારને અડફેટે લીધો
પાલનપુરથી એક્ટિવા લઈને પોતાના ઘર તરફ આવી રહેલા કાકા ભત્રીજાને કાણોદર હાઇવે નજીક દોડી આવી રહેલા આખલાએ અડફેટે લેતા બંનેને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અવારનવાર આ માર્ગ ઉપર દિનપ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધવા લાગ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇ લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કાણોદર ગામના અશોકભાઈ ભેમાભાઈ વાઘેલા (દરજી) અને તેમનો ભત્રીજો તનિષભાઈ વાઘેલા પાલનપુરથી પોતાના ઘરે કાણોદર મુકામે આવી રહ્યા હતા.દરમિયાન રાત્રિના સમયે કાણોદર હાઇવે ઉપર આખલાએ એક્ટિવા સવાર બંને કાકા ભત્રીજાને અડફેટે લેતા એક્ટિવા સવાર નીચે પડી જતા સદનસીબે બંને જણને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે પાછળથી આવી રહેલ ઇકો ચાલકે સમય સૂચકતા દાખવી બ્રેક લગાવી લેતા બંનેનો આબાદ બચાવ થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થવા પામી હતી.