ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે, ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ
ચોમાસાની સીઝનમાં પહેલીવાર ભારે ગાજવીજ સાથે જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો. સૌથી વધુ ખેડબ્રહ્મામાં 6 ઇંચ સને સૌથી ઓછો તલોદ અને પોશીનામાં પોણો ઇંચ વરસાદ નોધાયો છે. તો ખેડબ્રહ્મામાં વરસાદને લઈને હરણાવ નદી અને ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. તો હિંમતનગરની હાથમતી નદીમાં પણ પાણીની આવક થઇ છે. જ્યારે ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.
ખેડબ્રહ્મામાં રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 5 ઇંચ અને 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડબ્રહ્મામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ખેડબ્રહ્માથી 3 કિમી દુર આવેલ વાસણા ગામ પાણમાં તરબતર થયું હતું. તો રાત્રી દરમિયાન ખેડબ્રહ્મામાં વરસાદ અને વીજળીના કડાકા થવાને લઈને વીજપ્રવાહ બંધ થયો હતો. જે વહેલી સવારે પૂર્વવત થયો હતો. વિજયનગરના હરણાવ જળાશયમાં પાણીની આવકને લઈને 150 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ વરસાદી પાણી અને જળાશયના પાણીને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. તો હિમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું છે. તો મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ પર પાણી ભરાયા છે.