વિશ્વભરના ૨૦ દેશોના ૨૭ લાખ માઇભક્તોએ ડિજિટલ પ્લેટફોર્મ થકી મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે ૫ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં સરકારના ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ . સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઘેર બેઠા માં અંબાના દર્શન કરી શકે એ માટે પ્રકારનું આયોજન કરી માઇભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઇભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો વિશેષ મહિમા હોઈ લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે.ત્યારે અંબાજી ન આવી શકનાર માઇ ભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું .જે અંતર્ગત વિશ્વભરના ૨૦ જેટલા દેશમાં ૨૭ લાખ શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુ ટ્યુબ , ટિ્‌વટર , વેબસાઈટ ના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ધન્યતા અનુભવી છે.તો આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે.જેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.

સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન

આ વખતે મેળામાં વહીવટીતંત્ર દ્વારા કેટલીક વિશિષ્ટ અને અનોખી પહેલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંબાજીમાં આવતા પદયાત્રી સંઘો અને વાહનો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ની સગવડ ઉભી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૫૫૦૦ જેટલા પદયાત્રી સંઘોની ઓનલાઇન નોધણી અને ૧૧,૫૪૦ જેટલા વાહન પાસ ઘરે બેઠા ઓનલાઈન મંજૂરી આપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તો બનાસકાંઠા જિલ્લામાં ૧૫૪ જેટલા સેવા કેમ્પને ઓનલાઇન મંજૂરી આપી હતી.

મેળા દરમિયાન સોશ્યલ મીડિયાનો અસરકારક ઉપયોગ

અત્યારનો સમય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો છે. આંગળીના ટેરવે લોકોને મોબાઇલ સ્ક્રીન પર માહિતી મદદ અને જાણકારી મળી રહે એ માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી દર્શનાર્થીઓને વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટેલા માઇભક્તોએ લાભ લીધો હતો. મેળા દરમિયાન જુદી જુદી જગ્યાએ જ્યાં યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય એવા સ્થળોએ ૧૨ જેટલી મોટી એલ.ઇ.ડી સ્ક્રીન અને ૩૫ જેટલા ટીવી સ્ક્રીનમાં દર્શન, આરતી, અગત્યની માહિતી, સરકારશ્રીની લોકકલ્યાણ માહિતીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.