રાજ્યભરમાં રેલી યોજી જૂની પેન્શન યોજના પુન:લાગુ કરવા માગ

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારીઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માગ સાથે આંદોલન તેજ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા જૂની પેન્શન યોજના, 4200 ગ્રેડ પે અને 7મા પગારપંચના ભથ્થા સહિતની માગ મુદ્દે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ રેલી તેમજ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો. અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓએ મૌન રેલી યોજી હતી.

આ તરફ રાજકોટમાં પણ રાજ્ય સરકારી મંડળના કર્મચારીઓએ બહુમાળી ભવન ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. જૂનાગઢમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં મહાવીરનગર કેનાલ ફ્રન્ટ પર વિવિધ વિભાગના 14 જેટલા મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મહેસાણામાં વિવિધ સંઘના કર્મચારીઓ દ્વારા અરવિંદ બાગથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું તો મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં પણ કર્મચારીઓએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો.

કર્મચારીઓની ફરિયાદ છે કે અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ સંતોષજનક પરિણામ ન મળતા તેમણે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. તેમનું કહેવુ છે કે તેમની કુલ 15 માગણીઓ છે, જેમાં સાતમાં પગાર પંચનો લાભ અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માગ મુખ્ય છે.  અમદાવાદમાં પણ કર્મચારીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માગ કરી છે. આ કર્મચારીઓએ આગામી સમયમાં તેમની માગ નહીં સંતોષાય તો હડતાળનું શસ્ત્ર ઉગામવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.