સોનાનો ભાવ પહેલીવાર 50 હજારને પાર પહોંચ્યો.
કોરોના મહામારી – સરહદે તણાવ અને બજારમાં અનિશ્ચિતતાના માહોલમાં સુરક્ષિત રોકાણ તરફ વધ્યો પ્રવાહ
અમદાવાદ : સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મજબૂતાઈ બાદ આજે સોનાનો ભાવ પહેલી વાર 50 હજારને પાર પહોંચ્યો છે કોરોના મહામારી, અમેરિકા-ચીન વચ્ચે વણસી રહેલા સંબંધો અને સરહદે તણાવ વચ્ચે બજારના અનિશ્ચિતતાના માહોલમાં લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યાં છે. સોનાની ઘટવા છતા અન્ય એસેટ ક્લાસમાંથી રોકાણ સોનામાં આવતા એકતરફી ઉછાળો જ જોવા મળી રહ્યો છે. લોકડાઉન બાદ હવે ફરી અનલોકને કારણે બજારમાં માંગ સુધરતા સોનાની ચાલ ઝડપી બની છે. આજે ફરી સોનામાં રેકોર્ડ હાઈ લેવલ જોવા મળ્યા છે. MCX પર ઓગષ્ટ, ગોલ્ડ વાયદો 48,333ના નવા ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો છે. જોકે હાજર બજારમાં સોનું 50,000ના રેકોર્ડ ભાવને પાર પહોંચ્યું છે અમદાવાદના હાજર બજારના ભાવ 50,250ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે 24મી જુનના રોજ પહોંચ્યા છે. સોનાની સાથે રોકાણનું અન્ય ઉત્તમ સાધન ગણાતા ચાંદીમાં પણ સામાન્ય તેજી છે પરંતુ, સોનાની જેમ બુલરન ચાંદીમાં આ દોરમાં નથી જોવા મળી રહ્યો.MCX પર ચાંદી વાયદો 100 રૂપિયાના ઘટાડા સાથે 48,700ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. જોકે હાજર બજારમાં ચાંદી પણ 50,000ના ભાવને પાર છે. અમદાવાદમાં સિલ્વર 50,245 પર બોલાઈ રહી છે. ગ્લોબલ બુલિયન માર્કેટના ભાવ પર નજર કરીએ તો ગોલ્ડ 1770 ડોલરની આસપાસ અને ચાંદી 17.91 ડોલર પ્રતિ આઉન્સની આસપાસ છે.