કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થતા ટીમ સાથે દુબઈ ના ગયા

Sports
Sports

નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ૨૭ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે આજે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ દુબઈ જવા રવાના થઈ છે. રાહુલ દ્રવિડ કોરોનામાં પટકાતાં તે ટીમ સાથે દુબઈ નથી જઈ શક્યા તેમ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું. ભારત ૨૮ ઓગસ્ટના રોજ એશિયા કપમાં તેનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે રમશે.

દ્રવિડ ઝિમ્બાબ્વે પ્રવાસમાં કે એલ રાહુલના નેતૃત્વમાં ગયેલી ભારતીય ટીમ સાથે પણ ગયા નહતા. ઝિમ્બાબ્વે ટુરમાં એનસીએના વડા વીવીએસ લક્ષ્મણને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, એશિયા કપ ૨૦૨૨ માટે યુએઈ જઈ રહેલી ટીમના નિયમિત કોવિડ ટેસ્ટમાં પ્રમુખ કોચ રાહુલ દ્રવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બોર્ડની મેડિકલ ટીમ દ્રવિડની દેખરેખ રાખી રહી છે અને તેમને હળવા લક્ષણો જણાય છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દ્રવિડ દુબઈમાં ટીમ સાથે જાેડાશે. પ્રાપ્ત વિગતો મુજબ સહાયક કોચ પારસ મહામ્બ્રે થોડો સમય ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી નિભાવી શકે છે.

જાે કે એનસીએના વડા વીવીએસ લક્ષ્મણને દુબઈ મોકલવામાં આવશે કે કેમ તેનો ર્નિણય હવે પછી કરવામાં આવશે. બોર્ડના સૂત્રના મતે લક્ષ્મણ હરારેથી યુએઈ જશે કે કેમ તે અંગે અમે હજુ કોઈ ર્નિણય કર્યો નથી. પારસ મહામ્બ્રે થોડો સમય ટીમનું માર્ગદર્શન કરશે. ટીમના અન્ય સભ્યો સંપૂર્ણ સ્વસ્થ છે અને તેઓ આજે દુબઈ જવા રવાના થઈ ગયા છે. ટીમના મોટાભાગના ખેલાડીઓ મુંબઈ ફ્લાઈટમાં રવાના થયા હતા જ્યારે વાઈસ કેપ્ટન કે એલ રાહુલ, દીપક હુડ્ડા અને અક્ષર પટેલ ઝિમ્બાબ્વે શ્રેણીનો હિસ્સો હોવાથી તેઓ હરારથી સીધા દુબઈ પહોંચશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.