પાલનપુરના ગઠામણ પાટિયા પાસે અકસ્માતમાં માતા-પુત્રના મોત થતાં અરેરાટી
મૂળ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના વતની ઔદીચ્ય સહસ્ત્ર સત્તાવીસ સમાજના મિલનકુમાર નટવરલાલ રાવલ હાલમાં પાલનપુરના ૧૦, વિનાયક પાર્ક, સ્વસ્તિક સ્કુલ પાછળ પરિવાર સાથે રહે છે. જેઓનો નાનો પુત્ર કલ્પ રાવલ અમદાવાદ હાઇવે પર સ્કુલ ઓફ સાયન્સમાંએલ.કે.જી.માં અભ્યાસ કરે છે. જેને આજે વરસતા વરસાદ વચ્ચે સ્કૂલમાંથી લેવા માટે તેની મમ્મી રેણુકાબેન રાવલ
એક્ટિવા લઈને ગયા હતા. જે તેઓના પુત્રને લઈને એક્ટિવા પર આવતા હતા. ત્યારે માતેલા સાંઢની જેમ પુરઝડપે આવતા ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪૧ વર્ષીય રેણુકાબેન મિલનકુમાર રાવલનું તો ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપ જ્યું હતું. જ્યારે તેઓના પાંચેક વર્ષના પુત્ર કલ્પ રાવલને સારવાર અર્થે ખાનગી હોસ્પિ ટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, વિપ્ર પરિવારનો માળો વીંખાઈ જતા પરિવાર પર આભ તૂટી પડવાની સાથે સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. પોલીસે આવી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.