![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-256.jpg)
પાટણ જિલ્લામાં અનેક વિસ્તારમાં ગરનાળામાં વરસાદ પાણી ભરાતા વાહનચાલકો ફસાયા
સમગ્ર રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. મૂશળધાર વરસાદને પગલે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
જેને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યુ છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને પગલે શહેરની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જતા જનજીવન પર ભારે અસર થઈ છે. વોર્ડ નંબર 8માં આવેલી સંઘવીની પોળ બાબુના બંગલાની સામે દિવાલ ધરાસાયી થઈ હતી, જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ આનંદ સરોવર પણ ઓવર ફ્લો થઈ ગયુ છે.
પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોટીસરાથી અઘારાદરવાજા વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયા હતા. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તો બીજી તરફ છીંડીયા દરવાજા, પારેવા સર્કલ, પીતાંબર તળાવ તરફ જવાના માર્ગ પર કોર્ટ રોડ, સિદ્ધપુર ચોકડી, સરદાર કોમ્પલેક્ષ માર્ગ પર અવિરત વરસાદને પગલે વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવીત થયું હતું.