રાજસ્થાન ના હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આબુરોડ માં ધોધમાર વરસાદ

ગુજરાત
ગુજરાત

આબુરોડ હાઉસિંગ બોર્ડની પાસે શાળાની એક બસ રસ્તા માં ફસાઈ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આબુરોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રેથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ છે. જેને લઇને અહીંના નદી- નાળા વરસાદી પાણીથી ઉભરાઈ ગયા છે.જ્યારે ભારે વરસાદને પગલે બતીસા નદી ઉપરનો તરતોલી- મોરથલા ને જોડતા પુલનો પિલ્લર તૂટી જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને લઈને આબુ રોડ અને માઉન્ટ તેમજ આબુરોડ તળેટીમાં આવેલા રોડ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે અહીંના તલહટી- શિરોહી માર્ગ ઉપર ટ્રોમા સેન્ટર સામે પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે સંખ્યાબંધ લોકોના ટુ વ્હીલર ફસાઈ ગયા હતા.

જેમને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અહીંનો તળેટી- આમથલાનો માર્ગ બંધ કરાયો છે. અહીંના મુખ્ય નાળાના કુદરતી વહેણમાં દબાણ થઈ જવાથી નાળાનું પાણી ચાર ફૂટ જેટલું સડક ઉપર વહેવા માંડ્યું હતું. જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીંના મુખ્ય માર્ગ ઉપર પર્યટકોના વાહનોની લાઈનો લાગી ગઈ છે. જ્યારે આબુરોડ આગરા ભઠ્ઠા હાઉસિંગ બોર્ડની પાસે શાળાની એક બસ રસ્તામાં ફસાઈ ગઈ હતી. જોકે શાળાના છાત્રોનો બચાવ થયો હતો.

ભારે વરસાદના કારણે આબુરોડનું જનજીવન હાલમાં અસ્તવ્યસ્ત બની ગયું છે. સ્થાનિક પોલીસ પણ માઈક દ્વારા એનાઉન્સ કરી લોકોને ચેતવી રહી છે અને ઘરમાં જ રહેવાની સલાહ આપી રહી છે. કારણ કે, રાત્રે થયેલા વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તો બંધ છે. જેથી લોકોને કામ વગર બહાર ના નીકળવા પોલીસ તંત્ર અપીલ કરી રહ્યું છે. જ્યારે જર્જરિત મકાનો હોય અને તેમાં જે લોકો રહેતા હોય તેઓને પણ મકાનમાંથી બહાર નીકળી જવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યારે પોતાના વાહન ચાલકોને પોતાના વાહનો ઝાડ નીચે પાર્ક નહીં કરવા પણ સુચના આપવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.