![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-120.jpg)
સિદ્ધપુરનાં વેપારી પાસેથી બાકીમાં ગાડી ખરીદી બારોબાર અડાણી મૂકી દીધી
સિદ્ધપુર તાલુકાનાં ગણવાડાનાં રહિશ અને હાલમાં અમદાવાદમાં રહેતાં રજાકઅલી જાફરઅલી સૈયદે 2015માં મારુતિ સુઝુકી સિયાઝ ઝેડડીઆઇ ગાડી રૂ.11.50 લાખમાં ખરીદી હતી. બાદમાં તેમને પૈસાની જરુર પડતાં તેમણે અમદાવાદનાં વાહન લે-વેચ વ્યવસાય કરતાં મિત્ર મારફત સિદ્ધપુરનાં રફીકખાન પઠાણે રજાકબાઇની ગાડી જોઇને આ ગાડીનો સોદો રૂ.8.20 લાખમાં નક્કી કર્યો હતો. તે પેટે તા. 21-7-2017નાં રોજ સિદ્ધપુરની સિધ્ધાર્થ હોટલ આગળ રજાકભાઇની કારને વેચાણે લઇ તે પેટે રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા અને બાકીનાં રૂ.6.20 લાખ 15 દિવસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ગાડીની ચાવીને ગાડી રફિકને આપી હતી. આર.સી. બુક અને એક ચાવી રજાકભાઇએ પોતાની પાસે રાખી હતી.
15 દિવસ બાદ રજાકભાઇ તેમનાં બાકીનાં પૈસાની ઉઘરાણી કરવા જતાં રફિકે આ ગાડી વેચાણ અર્થે મુકી હોવાનું જણાવી તે વેચાશે એટલે પૈસા આપવાની વાત કરી હતી. તે પછી તેમણે અવારનવાર ઉઘરાણી કરતાં રફિકે તેમને રૂ.6.20 લાખની રકમ આપી નહોતી અને આ ગાડી બાબતે તપાસ કરતાં તે અન્ય વ્યક્તિ પાસે હોવાનું જણાતાં તેમને પણ મળતાં તેમણે કહેલું કે, આ ગાડી રફીકખાને તેમની પાસે અડાણી મુકીને રૂ. 5 લાખ લઇ ગયા છે. તે પૈસા આપી જાઓ અને ગાડી લઇ જાઓ તેમ જણાવ્યું હતું. જેથી મુળ માલિકે ફરિયાદ નોંધાવી છે.