પાટણઃ શહેરમાં કોરોના બેફામ, આજે નવા ચાર કેસથી આરોગ્યમાં દોડધામ
પાટણમાં કોરોના મહામારી ની વણથંભી વણઝાર બંધ થવા નુ નામ લેતી નથી. કોરોના બેફામ બની બેકાબૂ બન્યો હોય તેમ દિન-પ્રતિ દિન જિલ્લામાં નવા કેસ બહાર આવી રહ્યા છે.આજ રોજ પાટણ શહેરમાં ૪ કેસમાં કોરોના પોઝિટીવ નાં નોંધાયા છે.પાટણ શહેરમાં કોરોના નાં અત્યાર સુધીમાં ૬૮ કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લામાં કોરોના નાં કુલ કેસ ૧૪૮ થવા પામ્યા છે. ત્યાં બીજી તરફ જિલ્લામાં લોકડાઉન નાં ૭૦ દિવસમાં કોરોના કેસ ૮૦ થી અંદર રહ્યા હતા તે જ કોરોના કેસ અનલોક -૧ માં અપાયેલી છૂટછાટનાં ૨૦ દિવસમાં જ કોરોના કેસની સંખ્યા ૭૦ સુધી પહોંચવા આવી ગઈ છે.અનલોક -૧માં અપાયેલી છૂટછાટ જિલ્લાવાસીઓ માટે ચિંતાજનક બની જવા પામી છે.
પાટણ શહેરમાં અગાઉ ૮ કેસ બહાર આવ્યા બાદ આજે ફરી શહેરમાં નવા ૪ કેસ બહાર આવતા શહેરીજનો સહિત જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આજરોજ પાટણ શહેરનાં ખીજડા નો પાડો (ઘીંમટો)માં રહેતી ૬૦ વર્ષિય વૃધ્ધ મહિલાનો તેમજ ૭૫ વર્ષિય વૃધ્ધ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોધાયો છે.ઉપરાંત શહેર નાં વચલો માઢ(અંબાજી માતા ચોક,છીંડીયા દરવાજા)માં રહેતા ૭૦ વર્ષિય વૃધ્ધ પુરુષ તેમજ શહેરનાં જ બાબુ નાં બંગલા પાસે રહેતા ૭૩ વર્ષિય વૃધ્ધ પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે નોંધનીય છે કે આજે નોંધાયેલ તમામ ચાર કેસ મોટી ઉંમર નાં લોકોનાં છે જે અેક ચિંતા ની બાબત ગણી શકાય તેમ છે.આમ ફક્ત પાટણ શહેરમાં ૬૮ જેટલાં કોરોના કેસ નોંધાવા પામ્યા છે.
ચારેય દર્દીઓમાં શરીર માં દુઃખાવો,અશક્તિ,તાવ અને ખાંસી,શ્વાસ લેવામાં તકલિફ હોવાનાં લક્ષણો જોવા મળતાં તેમનાં કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે તેવી સુફિયાણી સલાહ આપતી સરકાર ક્યાંક ને ક્યાંક સરકારી ગાઈડલાઈન નો ચુસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ નિવડી હોય અને આમ પ્રજા ને જાણે ભગવાન ભરોસે છોડી દેવાઈ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.