ધાનેરાના ખેડૂતોએ પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની હાલત પાણી વગર દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. પોકળ રાજકારણ અને જુઠા વચન વાયદા થકી આજે શ્રીમંત ધાનેરા તાલુકો બરબાદી તરફ ધકેલાઈ રહ્યો છે. હાલ ધાનેરા તાલુકાના ગામડાની હાલત રણ વિસ્તાર જેવી બની ગઈ છે. ખેડૂતો અને નાગરિકો માત્રને માત્ર વરસાદના પાણી પર આધારિત બની ગયા છે. છેલ્લા ૧૦ વર્ષથી ધાનેરા તાલુકાની પ્રજા ચૂંટણી હોય, કોઈ રજુઆત હોય કે પછી રાજકીય કે સરકારી કાર્યક્રમ દરેક જગ્યાએ એક સાથે પુકાર પાણીનો થયો છે.

ધાનેરા તાલુકાનું પાણી વગરનું ભવિષ્ય શું હોઈ શકે એ આપ હાલ જોઈ શકો છે. ધાનેરા તાલુકાના શિયા તેમજ જનાલી ગામ વચ્ચે એક ખેડૂતે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ખેતરમાં નાની તલાવડી બનાવી છે. આમ તો સરકાર દ્વારા ખેતતલાવડી માટેની યોજના અમલમાં મુકાઈ હતી. જેમાં વિવિધ ગામોમાં ખેત તલાવડી બનાવવામાં આવી હતી. પણ માત્રને માત્ર આ તમામ ખેત તલાવડી કાગળ પર બની હતી. જે મામલે આક્ષેપો પણ થયા પરંતુ હાલ આ ખેત તલાવડીની તપાસના તમામ દસ્તાવેજો સરકારી બાબુઓએ અભરાઈ પર ચડાવી દીધા છે. આ તરફ પાણી વગરના ધાનેરા તાલુકાના ખેડૂતોને સરકારી યોજના તરફથી પણ નિરાશા મળતા હવે ખેડૂતો જીવન જીવવા માટે અને પશુપાલનના વ્યવસાય માટે પોતાના ખર્ચે પોતાના ખેતરમા પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ખેત તલાવડી બનાવી રહ્યા છે. રડમાજી રાજપૂત નામના ખેડૂતે પણ પોતાના ખેતરમાં ખેતતલાવડી બનાવી છે. સારો વરસાદ થાય અને આ ખેત તલાવડી ભરાય તો આઠ વિઘા જમીનમા એક સિઝનનો પાક લઈ શકાય તેવું અનુમાન આ ખેડૂતે વ્યક્ત કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.