સાબરકાંઠામાં સપ્તાહમાં સરેરાશ 4 ઇંચ વરસાદથી વાવેતર બેવડાયું

અરવલ્લી
અરવલ્લી

સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રાંતિજ તાલુકાને બાદ કરતા સાર્વત્રિક વરસાદ થવાને પગલે ખેડૂત આલમ ઘેલમાં આવી ગયો છે અને જુલાઈના પ્રથમ પાંચ દિવસમાં ખરીફ વાવેતર લગભગ બેવડાઈ ગયું છે. હિંમતનગરમાં રાત્રે પોણો ઇંચ વરસાદ વરસ્યા બાદ શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ સહિત 3.5 ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

જેને પગલે તંત્રના આગોતરા આયોજનમાં અભાવ બહાર આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં 64 મીમી પડ્યો હતો, બાયડમાં 54 અને ધનસુરામાં 39 મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું.

30 જૂન ના રોજ સાબરકાંઠામાં 59041 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં થયેલ વરસાદને પગલે 5 જુલાઈ સુધીમાં વધીને 95379 હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ચૂકયુ છે. જિલ્લામાં સરેરાશ 2,32,602 હેક્ટરમાં ખરીફ વાવેતર થાય છે મતલબ 40 ટકા વાવેતર થઈ ચૂકયુ છે.

ખેતીવાડી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મગફળીનું સૌથી વધુ 45,337 હેક્ટરમાં અને કપાસનો 30,982 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે તદુપરાંત સોયાબીન 3,657 હેક્ટર, મકાઈ 2401 હેક્ટર, શાકભાજી 5,370 હેક્ટર ઘાસચારો 4,687 હેક્ટર, અડદ 736 હેક્ટર, તુવેરનું 2000 હેક્ટર અને મગનું સૌથી ઓછું 15 હેક્ટરમાં વાવેતર થયું છે. પ્રાંતિજ અને તલોદ તાલુકાના ખેડૂતોએ વરસાદની રાહ જોયા વગર 274 હેક્ટરમાં ડાંગરનું પણ વાવેતર કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.