રૂપિયો રગડતા સોનામાં રૂ.600 અને ચાંદીમાં રૂ.1500 વધ્યાં
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં આજે વધુ 17 પૈસાનો ઘટાડો થઇ 76.20ની સપાટી પર બંધ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં રૂપિયામાં 36 પૈસાનો ઘટાડો આવ્યો છે જેના કારણે વૈશ્વિક બજારમાં ભાવ નીચા છતાં સ્થાનિકમાં ભાવ મજબૂત રહ્યાં હતા. અમદાવાદ ખાતે સોનું રૂ.600 અને ચાંદીમાં રૂ.1500 વધ્યું છે. આજે ફરી સોના અને ચાંદીમાં ભાવ એક સરખા રૂ.49000 ક્વોટ થઇ રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નજીવી રેન્જમાં અથડાઇ 1733 ડોલર જ્યારે ચાંદી 17.56 ડોલર ક્વોટ થઇ રહી છે. વૈશ્વિક સ્તરે 30 ટકાથી વધુ માઇનીંગ કંપનીઓ બંધ થઇ ચૂકી છે જેના કારણે આગામી સમયમાં સોનામાં ફંડામેન્ટલી ચાલ તેજી તરફી રહી શકે છે. હેજફંડો, ગોલ્ડ ઇટીએફ, એસપીડીઆરમાં રોકાણકારોનો ઉત્સાહ કેવો જોવા મળે છે તેના પર તેજી-મંદીનો આધાર રહેલો છે. જ્યારે સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડશે તો સ્થાનિકમાં ભાવ સુધારા તરફી ચાલ દર્શાવશે તેવો નિર્દેશ છે.
સોના-ચાંદીના ભાવ પેરેલલ ચાલી રહ્યાં હોવાથી સોનાની તુલનાએ ચાંદીમાં રોકાણમાંગ વધે તેવા સંકેતો મળી રહ્યાં છે. ચાંદીમાં સટ્ટોકરનાર યોગ્ય સમયે ખરીદ-વેચાણ કરે તો કમાણીની સારી તકો રહેલી છે. ચાંદી સાપ્તાહિક ધોરણે 17.70 ડોલર ઉપર બંધ આપે તો જ ઉપરમાં 18.00-18.30 ડોલરની સપાટી પહોંચી શકે છે. લોકડાઉન હળવું થવા છતાં હાજર બજારમાં ખરીદી સાવ નહિંવત્ રહી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ક્રૂડઓઇલમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળી રહી છે. લોકડાઉન હળવું થયું છે પરંતુ ક્રૂડની માગ સામાન્ય રહી છે. બ્રેન્ટ ક્રૂડ ગત સપ્તાહે ઉપરમાં 42 ડોલરની સપાટી કુદાવ્યા બાદ અત્યારે 38-40 ડોલરની રેન્જમાં અથડાઇ રહ્યું છે. અત્યારે 40.55 ડોલર જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ 37.84 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. આગામી સમયમાં ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો કેવો રહે છે તેના પર મૂવમેન્ટ જોવાશે.
Tags business