ધાનેરા તાલુકામાં ચેકડેમ પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ : પાણીનો પ્રશ્ન જૈસે થે
રખેવાળ ન્યુઝ ધાનેરા: છેલ્લા ૧૦ વર્ષથી ધાનેરા તાલુકાના ૭૭ ગામોમાંથી ૭૦ ટકા જેટલા ગામોમાં પાણી રહ્યા નથી.પીવાના પાણી માટે પણ સિપુ યોજના અંતર્ગત પાણી મળી રહ્યું છે ત્યારે તાલુકાના દરેક ગામડામાં વર્ષ દરમિયાન કઈ રીતે વરસાદનું પાણી બચાવી શકાય અને કઈ રીતે ભૂગર્ભમાં ઉતારી શકાય તે માટે કરોડો રૂપિયાની યોજના ધાનેરા તાલુકાને આપવામાં આવે છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ યોજના ઉપયોગી બનતી નથી અને સરકારના કરોડો રૂપિયા વરસાદની સાથે વહી જાય છે.
ધાનેરા તાલુકાના ચોમાસા પૂર્વે અલગ અલગ યોજના થકી ગામડાની અંદર ચેક ડેમ બનાવવામાં આવે છે. જેની રકમ ૫ લાખ થી ૨૫ લાખ સુધીની હોય છે.પરંતુ આજ દિન સુધી પાણીનો ભરાવો કર્યો હોય કે પાણીનો બચાવ થયો હોય આવો એક પણ ચેક ડેમ નજરે પડ્યો નથી. મોટી ટકાવારી તેમજ એક લિંક પ્રમાણે શરૂઆતથી આ ચેકડેમોમાં ભાગીદારી હોય છે જેથી ગામમાં માત્ર માટીથી ચેકડેમ બનતા હોય છે અને થોડુક પાણી આવે તો ભ્રષ્ટાચારની રેતી સિમેન્ટથી બનેલા ચેકડેમ પાણીમાં કાગળની જેમ વહી જાય છે. આમ, વર્ષ દરમિયાન કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. આથી સરકાર અને લોકોની લાખો રૂપિયાનીં રકમનો સદપયોગ થાય અને બોરવેલ કે અન્ય કોઈ રીતે મદદ કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
Tags Banaskantha Dhanera