પાલનપુર પાલિકા પ્રમુખ સામે રૂ.૨.૪૦ કરોડના ડોર ટુ ડોર કચરા કૌભાંડ મામલે રજુઆત થતા ખળભળાટ

Other
Other

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના પ્રમુખ સામે રૂ.૨.૪૦ કરોડનું ડોર ટુ ડોર કચરા કલેક્શન કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો સાથે પાલિકા પ્રમુખને પ્રમુખપદેથી અને સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની ફરિયાદ ખુદ શાશક પક્ષના નગરસેવકે દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રૂ.૨.૪૦ કરોડના ડોર ટુ ડોર કચરા કૌભાંડ બાબતે પ્રમુખ અશોક ઠાકોર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગર અને કલમ ૭૦ મુજબ પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરને કાયદેસરની કાર્યવાહી કરી નગરપાલિકાના પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા તેમજ કૌભાંડનાં નાણાંની વસૂલાત કરવા બાબતે પાલિકા સદસ્ય અમૃતભાઈ જોષી દ્વારા રજૂઆત કરાતા રાજકીય ગલીયારાઓમાં ચકચાર મચી જવા પામી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના સદસ્ય અમૃત જોષી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર તેમજ તત્કાલીન મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે ભળી જઈ જરૂરિયાત ન હોય તેવી શરતો રાખી ડોર ટુ ડોર કચરા કલેક્શન અંગેનું ટેન્ડર દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરતને જ મળે તે માટે પ્રમુખ અશોકભાઈ ઠાકોર તેમજ તત્કાલીન મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટની સહીથી જાહેર નિવિદા ઓક્ટોબર ૨૦૧૮માં બહાર પાડવામાં આવેલી હતી. જેમાં જરૂરિયાત ન હોય તેવી ૬૫ શરતો રાખવામાં આવેલ હતી. આ શરતોમાં મોટાભાગની શરતોનો ભંગ થયેલ હોવાનુ જણાવ્યું છે. આ કામગીરીમાં મોટા પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની રજુઆત કરાઈ છે. આમ, નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન કરેલ છે અને નાણા ઘરભેગા કરેલ હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે પાલિકા પ્રમુખને પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી સસ્પેન્ડ કરી નાણાંની વસૂલાત કરી તેમની ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.