પાટણમાં ધોરણ 10-12 પછી વિદ્યાર્થીઓની કારકિર્દીની મુંઝવણ અંગે માર્ગદર્શન અપાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લા ખાતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડવા માટે ક્યા વિકલ્પો છે તે અંગેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10-12 પછી વિદ્યાર્થીઓ મુંજવણમાં હોય છે કે ભવિષ્ય ઉજ્જવળ બનાવવા કયા શૈક્ષણિક વિકલ્પની પસંદગી કરવી. જેના માર્ગદર્શન માટે આયોજિત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમાં ઈન ફાર્મસી, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ પ્લાનિંગ, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, બેચલર ઓફ કન્ટ્રકશન ટેક્નોલોજી ઉપરાંત બેચલર ઓફ એન્જીનીયરીંગ, ટેક્નોલોજીના લગભગ 80 વિવિધતા ધરાવતા અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને યોગ્ય કારકિર્દીની પસંદગી તેઓ કરી શકે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. રાજ્ય સરકાર રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હંમેશા ચિંતિત રહે છે. રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન પણ રાખે છે. તેથી આ કાર્યક્રમો થકી સરકારએ યુવાનોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.

જિલ્લાકક્ષાના આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમ પર સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેથી ઘરે બેઠેલાં વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન માધ્યમ દ્રારા આ સેમિનારનો લાભ લઇ શકે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જે બાદ સ્વાગત અને વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વક્તાઓના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં સાંસદ ભરતસિંહ ડાભી, પ્રમુખ જીલ્લા પંચાયત પાટણ ભાનુમતિબહેન મકવાણા, પ્રમુખ પાટણ નગરપાલિકા સ્મિતાબહેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી જયરામભાઇ જોશી, આઈ.ટી.આઈ કોલેજ રાજપુર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ કથપુર, અને મેડિકલ કોલેજ ધારપુરના પ્રતિનીધીઓ , જિલ્લા રોજગાર કચેરી પાટણના પ્રતિનિધિ તેમજ વિવિધ શાળાઓના આચાર્યો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.