![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/05/sentence-to-sheep.jpg)
અદાલતે ઘેટાંને આપી 3 વર્ષની સજા, મહિલાનો લીધો હતો જીવ
મનુષ્યની અદાલતમાં ગુના કરવા બદલ પ્રાણીઓને પણ સજા થઈ શકે છે. આવો જ એક અનોખો કિસ્સો દક્ષિણ સુદાનમાં સામે આવ્યો છે. અહીં એક મહિલાની હત્યાના આરોપમાં કોર્ટે ઘેટાને 3 વર્ષની જેલની સજા ફટકારી છે.
મામલો દક્ષિણ સુદાનના રુમ્બેક ઈસ્ટ કાઉન્ટીનો છે. એક ઘેટાંએ એડુ ચૅપિંગ નામની મહિલા પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ઘેટાંએ 3 વર્ષ મિલિટ્રી કેમ્પમાં પસાર કરવા પડશે
રિપોર્ટ્સ અનુસાર, 40 વર્ષની મહિલાના મોત બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ઘેટાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મહિલાએ ઘેટાના હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘેટું સતત તેને માથાથી પ્રહાર કરતું રહ્યું. હવે ઘેટાંએ 3 વર્ષ લશ્કરી છાવણીમાં પસાર કરવા પડશે.
મૃતકના પરિવારને 5 ગાયો આપવાનો આદેશ
તો ઘેટાંના માલિકને અદાલત દ્વારા હત્યા માટે દોષિત ગણવામાં આવ્યો ન હતો પરંતુ તેને મૃતકના પરિવારને 5 ગાયો આપવાની સજા કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશને દક્ષિણ સુદાનમાં બ્લડ કમ્પનસેશન પણ કહેવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે ઘેટું તેની સજા ભોગવીને આવશે, ત્યારે તે મૃતકના પરિવારને પણ આપવામાં આવશે. કારણ કે ત્યાંના કાયદા અનુસાર, જો કોઈ પ્રાણી કોઈને મારી નાંખે છે, તો તે પીડિતના પરિવારને વળતર તરીકે આપવામાં આવે છે.
Tags sentence to sheep