ધાનેરા તાલુકાના કુમર ગ્રામજનોનો આક્રોશ : મનરેગા યોજનામાં બનતા રસ્તા બાબતે હોબાળો કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : લોકડાઉન વચ્ચે ધાનેરા તાલુકાના ગામડામાં પણ મનરેગાના કામોની શરૂઆત ગત માસથી થઈ ચુકી છે પરંતુ એક માત્ર મનરેગા શાખા મોટા ભાગે વિવાદમાં રહે છે. કેટલીક ગ્રામ પંચાયતના તલાટી સરપંચની મિલી ભગતના કારણે કરોડો રૂપિયાના કામોમાં વ્યાપક ગેરરીતી પણ બહાર આવી ચુકી છે.મજૂરો વગર મશીનરી દ્વારા કામ કરી સરકારના લાખો રૂપિયા પોતાના નામે કરી મનરેગાના નામે સરકારને ચુનો ચોપડી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના કુમર ગ્રામજનો પણ મનરેગા યોજનામાં બની રહેલ રસ્તા બાબતે ભારે હોબાળો કર્યો હતો. કુમર ગ્રામજનોના જણાવ્યા અનુસાર સ્થાનિક ગ્રામપંચાયતના સરપંચ દ્વારા ૧૨ લાખના ખર્ચે કુમર મોડેલ સ્કૂલથી બોરી તળાવ સુધી રસ્તો મંજુર કરાવી કામની શરૂઆત કરી છે. જોકે કામની શરૂઆતમાં જ ગ્રામજનો આ રસ્તાને લઈ ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ગામમાંથી એક માર્ગ સામરવાડા પાંથાવાડા નેશનલ હાઇવેને મળે છે. આ કાચા રસ્તા પર ૧૦૦ થી પણ વધારે પરિવાર ખેતરમાં વસવાટ કરે છે. બાળકો સરળતા પુરવક શાળાએ આવી શકે તેમજ જો આ રસ્તો પાકો બની જાય તો ધાનેરાથી કુમર ગામમાં આવવા માટે ૧૧ કીમીનું અંતર પણ ઘટતું હોઈ આ માર્ગ ગ્રામજનો માટે ઉપયોગી હોવાની રજુઆત સાથે મોડેલ સ્કૂલથી બોરી તળાવ સુધી બનતા રસ્તાનો વિરોધ કરી પહેલા કુમરથી રતનપુર પાટિયાનો માર્ગ બને તેવી સૌ ગ્રામજનોએ રજુઆત કરી હતી. મોટા ભાગના ગ્રામજનો રજુઆત મામલે રસ્તા પર આવી ગયા હતા અને ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને પણ ગતરોજ રૂબરૂ આ રસ્તા મામલે લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં આ મોડેલ સ્કૂલથી બોરી તળાવને જોડતો માર્ગ રેવન્યુ રેકર્ડ પર ના હોવાની પણ ધારદાર રજુઆત કરી હતી. વધુમાં ગ્રામપંચાયત દ્વારા કુમર ગામથી અન્ય વિસ્તાર કે ગામને જોડતા ચાર રસ્તાની માંગણી સાથે ઠરાવ કરવામાં આવ્યો હતો.પરંતુ સરપંચએ પોતાના અંગત સ્વાર્થને ધ્યાને રાખી આ માર્ગનું કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ ખુદ કુમર ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચે આક્ષેપ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.