યાત્રાધામ અંબાજી મંદિર ૧૨ જૂનથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે
રખેવાળ ન્યુઝ પાલનપુર : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે આગામી ૧૨ જૂનથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે તેમ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાના વાયરસની મહામારી વચ્ચે તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પણ ગત ૨૦ માર્ચથી બંધ કરાયું હતું. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ જાહેર કરાયા બાદ હવે મંદિરો પણ ખોલવા માટેની ચર્ચા વિચારણા થઈ રહી છે. દરમિયાન બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિરને આગામી ૧૨ જૂનથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાજી મંદિર દ્વારા દર્શનનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સવારે ૭ઃ૩૦ થી ૧૦ઃ૪૫ સુધી મંદિર ખુલ્લું રહેશે અને બપોરે ૧ઃ૦૦ થી ૪ઃ૩૦ સુધી મંદિર ખુલ્લું રહેશે. તેમજ સાંજે ૭ઃ૩૦ થી ૮ઃ૧૫ સુધી મંદિર ખુલ્લું રહેશે. જેમાં સરકારના નિયમોને ધ્યાનમાં રાખી દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ પણ જણાવવામાં આવ્યું છે. આમ યાત્રાધામ અંબાજી કોરોનાની મારામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી બંધ હતું. જે હવે દર્શન માટે ખુલ્લું કરવામાં આવનાર હોય ભક્તો હરખાઇ રહ્યા છે.
Tags Ambaji Banaskantha