રાધનપુર નજીક ટ્રેઇલર પલ્ટી ખાઈને આગમાં લપેટાતા ડ્રાઈવર-કંડક્ટર બળીને ભડથું થઇ ગયા

ગુજરાત
ગુજરાત

વરસાદી પવનમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કલ્યાણપુરા પાસે બનેલી ઘટના
રખેવાળ, રાધનપુર
રાધનપુરથી સાત કિલોમીટર દૂર કલ્યાણપુરા ગામ નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહેલા ટ્રેઇલરના ડ્રાઈવરે વરસાદી પવનના કારણે કઈ ના દેખાતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કેમિકલની બોરીઓ ભરેલું ટ્રેઇલર પલ્ટી ખાઈને રોડ સાઇડે ચોકડીઓમાં પડ્યું હતું,અને એકાએક તેમાં આગ ભભૂકી ઉઠતા અંદર સુતેલા કંડકટર અને ડ્રાઈવર ફસાઈ જતા બંને બળીને ભડથું થઇ ગયા હતા.પોલીસ તંત્ર દ્વારા ક્રેઈનની મદદથી ટ્રેઇલરનો કાટમાળ હટાવીને બંનેની બળેલી લાશો બહાર કાઢવામાં આવી હતી.

કચ્છના મુન્દ્રાથી અદાણી વિલ્મરમાંથી કેમીકલની બોરીઓ ભરીને ઉત્તરાખંડ તરફ જઈ રહેલુ ટ્રેઇલર( જી.જે.12 બી.વી.6447) કલ્યાણપુરા ગામ નજીકથી પસાર થઇ રહ્યું હતું એ સમય દરમ્યાન રવિવારે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે પવનના સુસવાટા સાથે વરસાદનું ઝાપટું પડી રહ્યું હતું,જેમાં ટ્રેઇલરના ડ્રાઈવરને આગળ કઈ ના દેખાતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેઇલર પલ્ટી મારીને નેશનલ હાઈવેની સાઇડે આવેલી ચોકડીઓમાં ગુલાંટ મારી ગયું હતું.એ સમય દરમ્યાન કંડક્ટર ગહેરી નીંદમાં સૂતેલો હતો.બંને જણ કઈ સમજે એ પહેલા જ ટ્રેઇલરમાં આગ ભભૂકી ઉઠી હતી,અને મિનિટોમાં આખું ટ્રેઇલર આગની લપેટમાં આવી ગયું હતું.ડ્રાઈવર અને કંડક્ટરે બહાર નીકળવાની કોશીષ કરી હતી પણ ફસાઈ જવાથી બહાર નીકળી શક્યા નહોતા અને ફસાયેલી હાલતમાં જ બળીને ભડથું થઇ ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બંનેની બળેલી હાલતમાં લાશોને ક્રેઈનની મદદથી બહાર કાઢી હતી.ઘટનાની જાણ ગાંધીધામ સ્થિત ટ્રકની ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને કરતા તેઓ દોડી આવ્યા હતા.
બંને જણા ચીસો પાડતા રહ્યાં
ઘટનાસ્થળથી બે કિલોમીટર દૂર આવેલા મોટીપીંપળી ગામના સરપંચ મુકેશભાઈ રાવલના જણાવ્યા મુજબ ટ્રેઇલર પલ્ટી મારતાં રિલાયન્સ પેટ્રોલપંપમાંથી લોકો દોડતા આવ્યા હતા,અને બંનેને બચાવવાની કોશિશ કરી હતી,અને આગને ઓલવવાનો પ્રયાસ પણ કર્યો હતો,પરંતુ એકાએક આગ વધી જતા બંનેને બચાવી શકાયા નહોતા.ટ્રેઇલરના કેબિનમાંથી બંને જણા બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા,પણ અંદર ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા.
બીજી લાશ પાછળથી મળી
પોલીસ તંત્રએ બળેલા ટ્રેઇલરમાંથી એક લાશ ક્રેઈનની મદદથી કાટમાળ આઘો-પાછો કરીને કાઢી હતી,પરંતુ બીજી લાશ દેખાતી નહોતી,પરંતુ ટ્રકના માલિકે અંદર બે માણસો હોવાની જાણ કરતા ફરીથી ટ્રેઇલરના કેબીનના કાટમાળને ઉપર ઉઠાવતા અંદર બીજી બળેલી હાલતમાં લાશ ફસાયેલી જણાતાં બહાર કાઢવામાં આવી હતી.

મૃતકોના નામ

(1) કેશવકુમાર ગંગુરામ અરડોકે ઉ.24 રે.વેસ્ટ મુંબઈ

(2) બળદેવકુમાર જોધાભાઇ રાનયા ઉ.25 રે. રાજસ્થાન

રેફરલના તબીબો ડૉ.કૃણાલભાઈ પટેલ અને ડૉ.જતીનભાઈ વણકરે બંને લાશોનું પી.એમ.કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.