સુરત આગ / એલિવેશન જ દુશ્મન બન્યું, રઘુવીર માર્કેટનું બીયુસી રદ્દ- સીલ કરાશે, ફાયરની કામગીરી ચાર્જ માર્કેટ પાસેથી વસૂલાશે

ગુજરાત
ગુજરાત

સુરતઃ કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ લાગેલી આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને કાબૂમાં લેવા માટે ૨૧ કલાક જેટલો સમય લાગ્યો હતો. બિલ્ડિંગને સુશોભિત કરવા માટે એલ્યુમિનિયમથી એલિવેશન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈટિંગ પણ હતી. આ એલિવેશનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જેથી બિલ્ડિંગને આકર્ષક બનાવવા કરાયેલું એલિવેશન જ રઘુવીર માર્કેટને તબાહ કરી ગયું હોય તેવો ઘાટ થયો છે. અત્રે ઉલ્લેનિય છે કે, રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગી હોવાથી તેની કામગીરી બદલ પાલિકા દ્વારા માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલશે તેવું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કર્યું હતું. સાથે સાથે પાલિકા દ્વારા બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી માટે સૂચના આપી દીધી છે.
 
 
કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગે એલિવેશનના કારણે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. રઘુવીર સિલિયમ માર્કેટનો આશરે બિલ્ડિંગનો ૫૦ ટકા ભાગ એલિવેશનથી કવર હતો. તેમાં વિવિધ રંગની અને ડિઝાઈનની લાઈટિંગ કરવામાં આવી છે. જેથી લોકો માર્કેટ તરફ આકર્ષાય અને તેના કારણે આગ વધી અને ફાયર બ્રિગેડ જે પાણીનો છંટકાવ કરતું હતું તે પાણી માર્કેટમાં આગ સુધી પહોંચતું નહતું. પાણી બધુ બહાર પડતું હતું.
 
ઘટનાને ૨૦ કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ્દ કરી છે, તેમજ આગ બૂઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી માટે સૂચના આપી દીધી છે.
 
 
રઘુવીર સિલિયમ સેન્ટર માર્કેટના બાંધકામનો લોઅર બેઝમેન્ટ તથા અપર બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફલોર વત્તા ૯ માળનો પ્લાન સુડામાં ૧૦ જૂન ૨૦૧૬માં મંજૂર કરાયો હતો. આર્કિટેક્ટ ભાવદિપ હિરાની છે. જ્યારે બિલ્ડર રઘુવીર ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સના હિતેશ ભાનુ પોકિંયા છે. બીયુસી ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ જ આપવામાં આવ્યું હતું. મંજૂર પ્લાન મુજબ જ હાલમાં બાંધકામ હોવાનું સુડાના સીઇઓ ચંદ્રકાંત નીનાએ જણાવ્યું હતું.
 
 
શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે માર્કેટના ત્રણ ભાગમાં આગ લાગી હોવાથી બીજુ પણ કારણ હોઇ શકે જેની તપાસ કરવામાં આવશે. આગ કાબૂમાં આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર આગની ઘટનાને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવું પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
 
રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ બુઝાવવા માટે બ્રિગેડ કોલ જાહેર કરવા સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ગામોમાંથી પણ ફાયરની ટીમની મદદ લીધી હતી. આવી મોટી દુર્ઘટના બાદ પાલિકા જે બિલ્ડીંગમાં આગ લાગી હોય તેની પાસે ફાયરનો ચાર્જ વસૂલે છે. આ પહેલાં પાલિકાએ સુડાની હદમાં આવેલી લેન્ડમાર્ક માર્કેટ પાસેથી ફાયરનો ચાર્જ વસૂલ્યો હતો. હાલ રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગી હોવાથી તેની કામગીરી બદલ પાલિકા માર્કેટના સંચાલકો પાસેથી ચાર્જ વસૂલશે તેવું પાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું હતું.
 
 
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, ૧૩ દિવસ પહેલાં પણ રધુવીર માર્કેટમાં આગ લાગી હતી. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દિવસ પહેલાં જ રધુવીર માર્કેટને ઈલેક્ટ્રીક વાયરિંગને લઈને નોટિસ ફટકારાઈ હતી. આમ છતાં, ફાયર સેફ્ટી માટે કોઈ પગલાં ના લેવાયા. એટલું જ નહીં, ત્યાં ગેરકાયદે રીતે લાકડાની સીડીઓ પણ બનાવાઈ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.