મારુતિ સુઝુકીએ ફેસ માસ્ક, ફેસ શિલ્ડ અને કાર પાર્ટિશન જેવા સેફ્ટી એસેસરીઝ લોન્ચ કરી
કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ પોતાના ગ્રાહકો માટે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માસ્ક, ગ્લોવ્સ, કાર પાર્ટીશન કવર સહિતના પ્રોટેક્ટીવ ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે એક્સેસરીઝની આ નવી રેન્જ લોકોને કોરોનાથી બચાવવામાં મદદ કરશે. આ એક પ્રકારના રક્ષાત્મક સાધનો છે જેનો ઉપયોગ ડ્રાઇવિંગ દરમિયાન કરવામાં આવશે. કંપનીએ તેની વેબસાઈટ પર ‘હેલ્થ એન્ડ હાઈજીન’ કેટેગરીમાં આ એક્સેસરીઝને શામેલ કરી છે.
આ ઉત્પાદનોની પ્રારંભિક કિંમત 10 રૂપિયા છે. મારુતિ કહે છે કે કંપનીએ કોરોના વાયરસના રોગચાળા વચ્ચે પોતાના ગ્રાહકો માટે માસ્ક, ગ્લોવ્સ, ફેસ કવરિંગ ઇક્વિપમેન્ટ (ફેસ શિલ્ડ) સહિત અન્ય ઉત્પાદનો બનાવ્યા છે. તેની કિંમત 10 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીની છે. મારુતિ હાલમાં હેલ્થ એન્ડ હાઈજીન કેટેગરીમાં 14 ઉત્પાદનો બનાવી રહી છે જેમાં થ્રી પ્લાય ફેસ માસ્ક, ડિસ્પોઝેબલ શૂ કવર, ફેસ શિલ્ડ, ડિસ્પોઝેબલ આઇ ગિયર્સ, કાર પાર્ટીશનો વગેરેનો સમાવેશ થાય છે. આ મારુતિના શોરૂમ અથવા ઓનલાઇન ખરીદી શકાય છે.
કંપનીના જણાવ્યા મુજબ, કારના પાર્ટીશનો પ્રીમિયમ ગ્રેડ વર્જિન PVCથી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, તેઓ કારમાં ખૂબ જ સરળતાથી ફીટ થઈ શકે છે, તેમાં માત્ર વેલ્ક્રોની જરૂર છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, કાર માલિકો આગળ અને પાછળની બેઠકો પર સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે છે.