![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/04/Rakhewal-208.jpg)
એપલના આઈફોન 13નું લેટેસ્ટ એપલ મોડલ ભારતમાં બનશે
એપલે ભારતમાં આઈફોન 13નું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. આઈફોનનું મેન્યુફેક્ચરિંગ ચેન્નઈની પાસે શ્રીપેરુમબુદુર ખાતે દુનિયાની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કંપની ફોક્સકોનના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. એપલ ઈન્ડિયાના એક પ્રવક્તાએ એક્સક્લૂઝિવ ઈમેલ સ્ટેટમેન્ટમાં ETને જણાવ્યું કે, અમે સુંદર ડિઝાઈન, સારા ફોટો અને વીડિયોવાળા એડવાન્સ કેમેરા સિસ્ટમ અને શાનદાર A15 બાયોનિક ચિપની સાથે આઈફોન 13 બનાવવા માટે ઉત્સાહિત છીએ.
આઈફોન 13 આધુનિક 5G અનુભવ, A15 બાયોનિક ચિપ, લાંબી બેટરી અને સારી ડિઝાઈનની સાથે આવે છે. ભારતમાં એપલની સફર લગભગ 20 વર્ષ પહેલા શરૂ થઈ હતી. એપલે સપ્ટેમ્બર 2020માં પોતાનો ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો હતો અને કંપનીએ દેશમાં વેપાર વિસ્તારવા માટે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આઈફોન 13ની સાથે કંપની હવે પોતાના બે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકોન અને વિસ્ટ્રોન દ્વારા લોકલ લેવલ પર પોતાના તમામ ટોપ સેલિંગ મોડલ બનાવે છે. તેનો ત્રીજો ભાગીદાર, પેગાટ્રોન પણ આ મહિને પ્રોડક્શન શરૂ કરે તેવી અપેક્ષા છે, તેમાં આઈફોન 12ની સાથે શરૂઆત થશે.
ફોક્સકોન એપલ માટે આઈફોન બનાવે છે. ચેન્નાઈ પ્લાન્ટમાં આઈફોન 13નું પ્રોડક્શન જાન્યુઆરીથી શરૂ થવાનું હતું, પરંતુ ફૂડ પોઈઝનિંગ વિશે મહિલા શ્રમિકો દ્વારા ડિસેમ્બરમાં વિરોધ પછી એપલ દ્વારા પ્રોડક્શન અટકાવી દીધા પછી તેને સ્થગિત કરવું પડ્યું.