પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેનું આજે મોત નિપજતાં તેના મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાન ખાતે લઈ જવાયો હતો. જો કે સ્મશાન બંધ હોઇ અને દરવાજો ખોલવા માટે કોઈ તૈયાર ન હોવાથી નાયબ મામલતદાર,આરોગ્ય તેમજ પોલીસના જવાનોને મૃતદેહ સાથે સ્મશાનના દરવાજાની બહાર જ તાળું ખોલવાની રાહ જોઈ બેસી રહેવું પડ્‌યું હતું અને બે કલાક જેટલા સમય સુધી મૃતદેહ રઝળ્યો હતો. બાદમાં મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા હતા. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન જાણે માનવતા પણ મરી પરવારી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સ્મશાનમાં પણ અંતિમવિધિ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે.  પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૂળ સંચોરના અને હાલ વ્યવસાય અર્થે પાલનપુર રહેતો જૈન પરિવારના જુવાન જોધ ૩૫ વર્ષના વિજય પારસમલ જૈન તા.૦૧/૦૬/૨૦૨૦ના રોજ શ્વાસની તકલીફ અને તાવ માટે બપોરે આશરે એક વાગ્યે આઈસોલેશન વાર્ડમાં દાખલ કરવામાં આવેલ. યુવક કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લઇ રહ્યો હતો. જેના મોત બાદ આજે સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પણ રઝળ્યો હતી.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના સાચોર નો વતની અને પાલનપુરમાં ધંધાર્થે રહેતા આ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પણ હજુ સુધી આવવાનો બાકી છે. ત્યારે સારવાર દરમિયાન તેનું આજે મોત નિપજતાં મૃતકને અંતિમ વિધિ માટે પાલનપુરના ગોબરીરોડ સ્થિત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે સ્મશાનના દરવાજાને તાળુ મારેલ હોઇ આ બાબતે જવાબદાર લોકોને જાણ કરવા છતાં કોરોનાના ફફડાટ વચ્ચે દરવાજાનું તાળું ખોલવામા ના આવતા આરોગ્ય તેમજ પોલીસ કર્મીઓએ મૃતદેહ સાથે જ દરવાજાની બહાર બે કલાક સુધી રાહ જોવી પડી હતી.
ઘટનાની જાણ થતા નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિ પણ દોડી આવ્યા હતા. જેઓએ ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી જવાબદારી લઇ મામલો થાળે પાડ્‌યો હતો. અંતે નાયબ મામલતદાર માધુભાઈ પ્રજાપતિએ મૃતકના બે સ્વજનો સાથે મળીને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જે સમયે પાલનપુર મામલતદાર, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલ્વા સહીતના અધિકારીઓ, આરોગ્ય અને પોલીસની ટીમ હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન ક્યાંકને ક્યાંક લોકોમાં ભયનો માહોલ એટલી હદે પ્રસરી ગયો છે કે, કોરોનાના દર્દીનું નામ પડતાની સાથે જ લોકો તેની પાસે જતાં પણ સો વાર વિચારતા હોય છે. ત્યારે ઉપરોક્ત કિસ્સામાં પણ દર્દીના મૃતદેહને આ કારણથી જ રઝળપાટ કરવો પડ્‌યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.