‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી સહિત પરિવારના સાત સભ્યો કોરોના પોઝિટિવ

ફિલ્મી દુનિયા

ઋષિકેશ :  ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહ સહિત પરિવારના સાત સભ્યો (સાસુ-સસરા, પતિ, નણંદ, નણંદનો પાંચ વર્ષીય દીકરો)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ૩૧ મેના રોજ તમામને ઋષિકેશની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. મોહેના કુમારીએ હાલમાં જ પરિવારને કોરોના થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહેના કુમારીના સસરા તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી છે. તેમણે હાલમાં જ ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી હતી. સતપાલ મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે જેટલાં લોકો સાથે મુલાકાત કરી હતી, તે તમામનો રિપોર્ટ કરાવવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં ટીવી કલાકાર કિરણ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કિરણ કુમારે ઘરમાં જ સારવાર કરી હતી અને હાલમાં જ તેમનો ત્રીજીવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

શું કહ્યું મોહેના સિંહે? મોહેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેની સાસુ અમૃતા રાવતને તાવ આવતો હતો. જોકે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આથી પરિવારના દરેક સભ્યને હાશકારો થયો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે પરિવારના અન્ય કોઈ સભ્યનો રિપોર્ટ કરાવ્યો નહોતો. જોકે, પછી તેમને ખ્યાલ આવ્યો કે સાસુમાને તાવ ઉતરતો નહોતો. થોડાં દિવસ બાદ ફરીવાર રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી ઘરના બધાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના લક્ષણ વગર તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બધાની તબિયત સારી છે.

૩૧ વર્ષીય મોહેનાએ હાલમાં એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘આ વાત સાચી છે કે હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ છે. અમારા પરિવારના સાત લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને બાકી સંસ્થાના સભ્યો છે. તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, ગભરાવવા જેવી વાત નથી. કોઈને પણ કોરોનાના લક્ષણો નહોતા અને આથી જ તે વધુ ફેલાઈ ગયો. અમારામાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ બધું ક્યારે થઈ ગયું. ઘરની અંદર જ આ ફેલાઈ ગયો. હાલમાં અમારી સારવાર ચાલી રહી છે.’

વધુમાં મોહેનાએ કહ્યું હતું, ‘તમામ લોકો સુરક્ષિત છે. અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે તમામ સુવિધા છે. આથી અમે એક પણ બાબતને લઈ ફરિયાદ કરતા નથી. કારણ કે એવા પણ લોકો છે, જે કોરોનાવાઈરસનો ભોગ બનેલા હોય પણ તેમને વ્યવસ્થિત રીતે સારવાર મળતી નથી અને તેમને બેડ પણ મળતા નથી. મને આશા છે કે અમે જલ્દીથી ઠીક થઈ જઈશું. જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તમામ સભ્યો હોસ્પિટલમાં જ રહેશે’

૨૦૧૨મા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. મોહેનાએ વર્ષ ૨૦૧૨મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન બાદથી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે ૧૪ ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.