ઇડરમાં મજૂરોને હોળીના પૈસા ન મળતાં રેલવેના સિવિલ એન્જિનિયર સહિત ત્રણ લોકોને કેબિનમાં પૂરી ઓફિસમાં તોડફોડ કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

ઈડર વલાસણા રોડ ઉપર વિરપુર તરફ જતા માર્ગ પર બની રહેલ નવોદય વિદ્યાલયમાં કામ કરતાં મજૂરોને પૈસા ન મળવાને કારણે હોળીનો તહેવાર બગડતાં બુધવાર સવારે મજૂરોએ સંકુલને બાનમાં લઈને મિનિસ્ટ્રી ઓફ રેલેવના સિવિલ એન્જિનિયર સહિત 3 લોકોને કેબિનમાં પૂરી ઓફિસના બારી-દરવાજા ટેબલ સહિત અન્ય સાધન સામગ્રીની મોટાપાયે તોડફોડ કરતાં નવોદય વિદ્યાલય સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. ઘટનાને પગલે દોડી આવેલ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો.

વિરપુરમાં નવોદય વિદ્યાલયની ત્રણ વર્ષથી કામગીરી ચાલી રહી છે અને 100 થી વધુ મજૂરો સાઇટ પર કામ કરી રહ્યા છે. શ્રમજીવી પરિવારો માટે હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ હોવાથી અને વતનમાં જવાનું હોવાથી મજૂરીના બાકી નાણાં લેવા છેલ્લા કેટલાક સમયથી ઉઘરાણી કરી રહ્યા હતા અને વાયદા થયે જતા હતા. બુધવારે સવારે મજૂરો અને જવાબદારો વચ્ચે પૈસાની ઉઘરાણી મામલે ચકમક ઝર્યા બાદ મામલો બિચક્યો હતો અને મજૂરોએ આખા સંકુલને બાનમાં લઇ વિદ્યાલયના જે ત્રણ વ્યક્તિ ઓફિસમાં હતા તેમને કેબિનમાં જ પૂરી દઈને ઓફિસના બારી-દરવાજા ટેબલ સહિત અન્ય સાધન સામગ્રીમાં તોડફોડ કરી ભયાવહ વાતાવરણ ઊભું કરી દેતા જાદર પોલીસને જાણ કરાતાં જાદર પીએસઆઈ સહિત ડીવાયએસપીનો પોલીસ કાફલો ઉતરી પડ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

મિનિસ્ટ્રી ઓફ રેલ્વેના સિવિલ એન્જિનિયર અને કામકાજની જવાબદારી સંભાળતાં આદિત્ય મહિપાલસિંઘ રઘુવંશીએ ફરિયાદ નોંધાવી છે કે લેબર કોન્ટ્રાક્ટર ગીરીશભાઈ રમેશભાઈ પટેલે મુખ્ય કોન્ટ્રાક્ટર શ્યામસુંદર સ્વામી ને વાત કરતાં પૂરું પેમેન્ટ ન મળતા ગિરીશભાઈએ પિયુષભાઈ રમેશભાઈ પટેલ, કનુભાઈ ખીમાભાઈ તાહેરીયા, બીજુભાઈ મસુભાઈ સંવાડા, દશરથભાઈ વેચાતભાઇ અને શૈલેષભાઈ કનુભાઈ ડામોરને ઉશ્કેરણી કરીને હાથમાં સેન્ટીંગના લાકડા લઇ કેમ્પસમાં મોકલી બધાને ઓફિસમાં પૂરી દીધા હતા. આદિત્ય ભાઈને બરડામાં લાકડીથી માર પણ માર્યો હતો તથા ઓફિસમાં તોડફોડ કરી કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી, બારી બારણાના કાચ પાર્કિંગમાં પડેલ કાર, બાઈકમાં તોડફોડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.