ભારતીયોને પરત લાવવા રશિયા ગયેલા એર ઇન્ડિયાના પાયલોટને કોરોના હતો, ખબર પડતા ખાલી વિમાન પેસેન્જર લીધા વગર પાછુ આવ્યું
નવી દિલ્હી. વંદે ભારત મિશન અંતર્ગત રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાની દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ અધવચ્ચેથી પછી બોલાવવી પડી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટ ઉઝબેકિસ્તાનની એરસ્પેસ પર પહોંચી ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને જાણમાં આવ્યું કે વિમાનનો એક પાઇલટ કોરોના પોઝિટિવ છે. તેમાં કોઈ મુસાફરો નહોતા. અધિકારીએ એમ પણ કહ્યું કે વિમાનને તાત્કાલિક પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે વિમાન દિલ્હી પહોંચ્યું હતું. ક્રૂ મેમ્બર્સને અલગ રાખવામાં આવ્યા છે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને લાવવા બીજા વિમાનને મોસ્કો મોકલવામાં આવશે.
તમામ ક્રૂના રિપોર્ટ્સ ફ્લાઇટ પહેલાં તપાસવામાં આવે છે. ખાસ કરીને કોરોના રિપોર્ટને ચકાસવામાં આવે છે. એક પાઇલટનો રિપોર્ટ પોઝિટીવ હતો, પરંતુ ભૂલથી નેગેટીવ વંચાઈ ગયો હતો. આથી ગ્રાઉન્ડ ટીમે તેને ઉડવા માટે મંજૂરી આપી હતી.