થરાદના વાઘાસણમાં ગૈશાળાના નામે જમીન લઇને વેચવાનું કૌભાંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના વાઘાસણ ગામના કેટલાક શખસો સામે ગામની સરકારી પડતર જમીનમાં ગૌશાળા બનાવ્યા બાદ આ જમીનને લાંબાગાળે બાંધકામ કરીને વેચાણ કરવામાં અને તેમાં દુકાનો બનાવીને ભાડું ઉભું કરવામાં આવતી હોવાના કૌભાંડના આક્ષેપવાળી રજુઆત ઉચ્ચસ્તરે થતાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. જો કે ગામના એક વ્યક્તિની જમીન પર ગૌશાળાના નામે કબજો કરીને તેની માંગણી કરાતાં યુવકે તપાસની માંગ કરી હાઇકોર્ટના દરવાજા ખટખટાવવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
થરાદના વાઘાસણ ગામના મહેન્દ્રસિંહ ભગવાનસિંહ ચૌહાણે રાજ્યના મહેસુલમંત્રીને ગામના દેવાભાઇ પદમાભાઇ પટેલ,પ્રજાપતિ મોડાભાઇ કાળાભાઇ,પ્રજાપતિ જવાનભાઇ નાંનજીભાઇ, ભીમાભાઇ સોનાભાઇ તથા વિરમાભાઇ સોનાભાઇ સામે ગામમાં ગૌશાળાના નામે દબાણ કરી દબાણવાળી જમીનનું વેચાણ કરીને જમીનકૌભાંડ કર્યું હોવાની લેખિત રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત શખસોએ મળીને દેશી ગોળીયા જવાના રસ્તા પર દબાણ કરીને ગૌશાળા બનાવી હતી. ત્યાર બાદ તેમાં મોડાભાઇ, જવાનભાઇ અને ભીમાભાઇએ મળીને દબાણવાળી જગ્યામાં પાકી દુકાનો તથા મકાનોનું બિનકાયદેસર રીતે બાંધકામ કરીને દુકાનો ભાડે આપી તેમાંથી મોટાપ્રમાણમાં રકમ ઉભી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બીજી ગૌશાળા જુના બસસ્ટેશન ઉપર બનાવવામાં આવી હતી. જે બે વર્ષ સુધી ચલાવ્યા બાદ વેચાણથી આપીને તેમાંથી પણ રકમ ઉભી કરવામાં આવી હતી.જો કે આ લોકોએ મળીને મહેંન્દ્રસિંહના પ્લોટ પર કબજો કર્યો હતો.
ત્યાર બાદ ટ્રસ્ટ બનાવી જમીનની માંગણી કરતાં તેમણે તેનો વિરોધ અને વાંધો પ્રક્ટ કરી ગામની પડતર જમીનમાં ગૌશાળાઓ બનાવીને થોડા સમય બાદ વેચાણ કરી મોટા રૂપીયા ઉભા કરવા બદલ કાયદેસરની તપાસ કરવાની માંગણી કરી હતી.અન્યથા ન્યાય માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આ ઘટનાને લઇને ગામ સહિત પંથકમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.