ડીસા તાલુકાના શૌચાલય કૌભાંડમાં તલાટી સહિત અન્યોની પણ સંડોવણી હોવાની શંકા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના બુરાલ ગામના સરપંચે ૬૨ થી વધુ શૌચાલય કાગળ ઉપર  બનાવવાનું ખુલતા સસ્પેન્ડ કરાયા છે પરંતુ જિલ્લા વ્યાપી આ કૌભાંડમાં તલાટીઓ સહિત  અન્ય અધિકારીઓની પણ  સંડોવણી હોવાની બાબતે ભારે જોર પકડ્‌યું છે ત્યારે જિલ્લા અધિકારી દ્વારા તેની તટસ્થ તપાસ થાય તો અનેક સરકારી બાબુઓના પગ નીચેથી જમીન સરકી જાય તેમ છે.  
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દરેક ગામોમાં ધરે ઘરે સરકાર  દ્વારા  શૌચાલય બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ  ડીસા તાલુકામાં શૌચાલય યોજનામાં આચરાયેલ મસમોટો ભ્રષ્ટાચાર  દિન પ્રતિદિન બહાર આવી રહ્યો છે જેમાં તત્કાલીન ટી. ડી.ઓ. સહિત સરકારી કર્મચારીઓ અને સરપંચોની સંડોવણી ખુલવા પામી છે તાજેતરમાં બુરાલ ગામે આવો જ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેથી કાગળ ઉપર શૌચાલય બનાવી રકમ ઉપાડી લેવાના મામલે સરપંચ સસ્પેન્ડ કરાયા બાદ તલાટી સહિતના કર્મચારીઓ સામે સવાલો ઉભા થયા છે. શૌચાલયના ચુકવણાંમાં ગ્રામ વિકાસ એજન્સીથી માંડી તાલુકા પંચાયત અને તલાટી સહિતના કર્મચારીઓની ભુમિકા આવે છે. જેમાં સરપંચના સસ્પેન્ડ સામે કર્મચારીઓની ભુમિકા છતાં બચાવ થયો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યુ છે.બુરાલ ગામે લાભાર્થીઓને શૌચાલયો બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ સ્થાનિક સખી મંડળને આપી શૌચાલય બનાવ્યા પહેલા જ ચુકવણું કરી દેવાયુ હતુ. જેની રજૂઆત અને તપાસના અંતે જીલ્લા વિકાસ અધિકારીએ  સરપંચ હરપાલસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. જોકે તત્કાલિન તલાટી  સહિતના કર્મચારીઓની વહીવટી ભુમિકા છતાબચાવ થતો હોઇ તાલુકા અને જીલ્લા પંચાયત સામે સૌથી વધુ સવાલો ઉભા થયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ૭ લાખથી વધુનું ચુકવણું શૌચાલય બનાવ્યા વિના સ્થાનિક સખી મંડળને કરી દેવામાં આવ્યુ હતુ. જેનો અહેવાલ સ્પષ્ટ થતાં સરપંચના સસ્પેન્ડ બાદ સખી મંડળ હરકતમાં આવી ઉચાપતની રકમ ભરવાની તૈયારી બતાવી હોવાનુ સામે આવ્યુ છે. શૌચાલય કૌભાંડની રકમ પરત થવાની ગતિવિધિ હોઇ વહીવટી ફરજમાં આવતા તલાટી, બ્લોક કો-ઓર્ડિનેટર, કલસ્ટર કો-ઓર્ડિનેટર, એટીડીઓ(આઇઆરડી), હીસાબી અધિકારી, ટીડીઓ, જીલ્લા કો-ઓર્ડિનેટર અને નિયામક સહિતના સત્તાધિશો શંકાસ્પદ ભુમિકામાં આવ્યા છે. જોકે હાલ તો  જિલ્લા વિકાસ અધિકારી દ્વારા  ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭, ૧ ની જોગવાઈ અનુસાર  માત્ર  સરપંચને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દુર કરવામાં આવ્યા છે પણ આ પ્રકરણમાં તટસ્થ તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી  શકે તેમ છે જેમાં સરકારી બાબુઓ સુધી પણ રેલો આવવાનો પૂરેપૂરી શકયતા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.