હિંમતનગર શહેરમાં બજારો ખુલતાંની સાથે જ લોકો ઊમટી પડયાં, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડયા
રખેવાળ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કામાં અપાયેલી છૂટછાટને પગલે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે બજારો ખુલતા જનજીવન પૂર્વવત થઇ રહ્યુ છે પરંતુ અનેક દિવસોથી ઘરમાં પુરાયેલા લોકો જાણે કે કંટાળી ગયા હોય તેમ બજારો ખુલતાની સાથે જ આઝાદી મળી ગઇ હોય તેમ નીકળી પડયા છે. જેના લીધે બુધવારે હિંમતનગરમાં લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને પાન મસાલાના ગલ્લા તથા હોલસેલ વેપારીઓના સ્થળે લોકોએ પડાપડી કરતા સોશિયલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા હતા. જેથી નાછૂટકે પોલીસે દરમિયાનગીરી કરી લોકોને ખદેડી મૂકવા પડયા હતા.
હિંમતનગર સહિત પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, તલોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન-૪ માં અપાયેલી છૂટછાટો બાદ લોકોએ સરકારના નિયમોને ઐસીતૈસી કરી હતી. પાન મસાલા અને તમાકુના શોખીનો રઘવાયા બનીને પાનના ગલ્લે દોડી રહ્યા છે તેમ છતા બજારમાં કાળા બજારીયાઓ તકનો લાભ લઇ મોંઘા ભાવે આવી વસ્તુ વેચી રહ્યા છે. બુધવારે હિંમતનગરમાં અનેક સ્થળે પાન મસાલાના ગલ્લાઓ પર સવારથી જ લોકોની ભીડ જામી હતી. ગુટખાનો જથ્થા બંધ વેપાર કરતા વેપારીઓના ધંધાના સ્થળે લોકોએ પડાપડી કરી હતી. જેના લીધે સોશિયલ ડીસ્ટન્સ જળવાયુ ન હતું. આ અંગે પોલીસને જાણ થતા આખરે પોલીસકર્મીઓએ આવી લોકોને ભગાડી દીધા હતા. હિંમતનગર સહિત જિલ્લામાં અન્ય સ્થળે લોકડાઉનમાં અપાયેલી છૂટછાટને પગલે વહીવટી તંત્ર દ્વારા સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા છૂટ અપાઇ હોવા છતાં બપોરે એક વાગે દુકાનો બંધ કરી વેપારીઓ જતા રહ્યા હતા.