કોરોનાના કહેર વચ્ચે પાલનપુર પાલિકાએ ઘરવેરામાં ઝીંકેલો વધારો મોકૂફ રાખવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા લોકો માટે પ્રધાનમંત્રીએ અધધ..રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા નગરજનોને રાહત આપવાને બદલે નિચોવાનું કામ કરી રહી છે. ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા નગરજનોની વ્હારે આવતા નગરસેવક અમૃત દાઢીએ પાલિકા દ્વારા ઘરવેરામાં કરાયેલા ૧૦% નો વધારો મોકૂફ રાખવા અને પાછલી વેરા વસુલાતમાં ૧૦% દંડકીય વ્યાજમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે.
ભાજપ શાસિત પાલનપુર પાલિકા દ્વારા તા.૧૯/૫/૨૦ ગઈકાલથી ઘરવેરાની વસુલાત લેવાની ચાલુ કરવામાં આવેલ છે. જેમાં પાછલી ઘર વેરાની બાકી રકમ પેટે ૧૦% દંડકીય વ્યાજ પ્રજાજનો પાસેથી વસુલ કરવામાં આવે છે. જેને ગેરવ્યાજબી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધમાં ગણાવતા શાસકપક્ષના નગરસેવક અમૃત જોશી (દાઢી)એ પાલિકાના નિર્ણય સામે નગરજનોના હિતમાં બાંયો ચડાવતા આ દંડકીય વ્યાજમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે.
કોરોના મહામારીને લઈને લાંબા સમય થી લોકડાઉન છે. ત્યારે પાલનપુર શહેર માં પ્રજાજનોના ધંધા-રોજગાર બંધ છે. જેને પગલે પ્રજાજનો ઘણીજ આર્થિક માનસિક- શારીરિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા માર્ચના અંતિમ અઠવાડિયામાં લોક ડાઉન હોવાને કારણે વેરો લેવાનું બંધ કરવામાં આવેલ હતું. તેથી પ્રજાજનો માર્ચ મહિનામાં વેરો ભરી શક્યા નથી. જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે પ્રજાજનો પાસેથી પાછલી બાકીની રકમ પેટે ૧૦% ટકા દંડકીય વ્યાજ વસૂલી શકાય નહીં. પરંતુ પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે તે ગેરવ્યાજબી છે. ત્યારે બાકી રકમ ઉપર ૧૦% દંડકીય વ્યાજ માંથી મુક્તિ આપવા પાલિકા સદસ્ય અમૃત જોષી(દાઢી) એ રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કોરોનાના કહેર વચ્ચે આર્થિક રીતે તૂટી ગયેલા શહેરીજનો પર ચાલુ વર્ષે ૧/૪/૨૦૨૦ થી ૩૧/૩/૨૦૨૧ ના ઘરવેરામાં પણ પાલનપુર નગરપાલિકા દ્વારા ૧૦ % કમરતોડ વધારો ચાલુ વર્ષમાં ઝીંકવામાં આવેલ છે. જે વેરા વધારો પણ આ વર્ષ પૂરતો મોફૂક રાખવા રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.