પાટણઃ ગામડાંની ચાર યુવતિને કોરોના, એકસાથે ૧૧ કેસ ખુલ્યાં
રખેવાળ, પાટણ
પાટણ જીલ્લામાં છેલ્લા નવ દિવસથી સતત કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે એકસાથે ૧૧ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જીલ્લાના ગામડામાં ચાર યુવતિને પણ કોરોના થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે જીલ્લામાં ૮ મહિલા અને ૩ પુરૂષ સહિત કુલ ૧૧ કેસ સામે આવ્યા છે. જેમાં નાની ચંદુર-૨, પાટણ સિટી-૩, કાતરા સમાલ-૧, ધારપુર-૩, પાડલા-૧ અને શંખેશ્વર-૧ મળી કુલ ૧૧ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૬૬ કેસ નોંધાયા છે.
પાટણ જીલ્લાના સમી, શંખેશ્વર અને સરસ્વતી તાલુકા સહિત પાટણ સીટીમાં આજે નવા ૧૧ કેસ સામે આવ્યા છે. જેમાં સમી તાલુકાના નાની ચંદુર ગામે ગત દિવસોએ દિલ્હીથી પરત ફરેલ ૬૦ અને ૬૮ વર્ષીય બે મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ પાટણ સીટીમાં ગીતાજંલી સોસાયટીમાં ૨૫ વર્ષીય મહિલા, સારથી સ્ટેટસમાં ૨૯ વર્ષીય પુરૂષ અને મીરાપાર્ક સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવતિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ધારપુર મેડિકલ કોલેજના આરોગ્ય સ્ટાફમાં પણ હેલ્થ વર્કર ૨૩ વર્ષીય મહિલા, ૨૯ વર્ષીય પુરૂષ હેલ્થ વર્કર અને ૨૯ વર્ષીય મહિલા હેલ્થ વર્કરનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે શંખેશ્વરના પાડલા ગામે દિલ્હીથી પરત ફરેલ ૧૬ વર્ષીય યુવતિ અને શંખેશ્વરમાં સુરતથી આવેલ ૧૮ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૬૬ કેસ નોંધાયા છે. પાટણ શહેરની મીરાપાર્ક સોસાયટીમાં રહેતા શાકભાજીવાળા ૩૧ વર્ષીય પુરૂષનું મોત નિપજ્યુ છે. આ સાથે પાટણ જીલ્લામાં અત્યાર સુધી કુલ ૪ના મોત થયા છે.