કૃત્રિમ સુગંધની શોધ
કૃત્રિમ સુગંધની શોધ સંભવતઃ પહેલ વહેલી ભારતમાં થઈ હોવાનું અનુમાન છે.ભારતમાં સુગંધીત દ્રવ્યોનું મિશ્ર બેબીલોન,યુનાન,ચીન, તિબેટ, જાપાન અને ઈરાન જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પ્રાચીનકાળથી જ ભારતમાં મંદિરો,હવનો વગેરેમાં ધુપ ચંદનથી બનેલ સુગંધીત પદાર્થોના ઉપયોગની પરંપરા રહી છે. ત્યારબાદ પારસીઓના અગ્નિ,મંદીરો, સુફીના ઉપાસના,ગૃહો,બર્મા અને જાપાનના પગોડો, તીબેટના લામા મંદીરો વગેરેમાં સુગંધીત દ્રવ્યો સળગાવવાની પ્રથા પ્રચલીત થઈ.
પ્રાચીનકાળથી જ ભારતના પશ્ચિમી દેશો સાથે વ્યાપારિક સંબંધો રહ્યા છે.અહીંયાથી ચંદન, કેસર, કસ્તુરી જેવા અનેક પ્રકારના સુગંધિત પદાર્થો અન્ય વિવિધ વસ્તુઓની સાથે બહાર મોકલવામાં આવતી હતી. વિશ્વના અનેક દેશોમાં આ સુગંધિત પદાર્થોનો ઉપયોગ વિલાસીતાની વસ્તુઓના રૂપમાં થતો હતો.
બેબીલોન અને અસીરીયાના લોકો વાળમાં સુગંધિત તેલ લગાવતા હતા.રોમમાં પ્રાચીન કાળથી જ અત્તરનો ઉપયોગનો મોટો રિવાજ હતો.એથેન્સના શાહી દાવતમાં ગુલાબ અથવા અન્ય સુગંધિત ફુલોના અર્કથી મિશ્રીત દારુનું સેવન થતું હતું.રોમના ઈતિહાસની પ્રસિદ્ધ સામ્રાજ્ઞી કલીયોપેટ્રોને અત્તરનો ઘણો જ શોખ હતો.
રોમન સામ્રાજયના પતન બાદ અત્તરોનો ઉપયોગ યુરોપના અંધકારમય યુગમાં ન જાણે કયાં ગાયબ થઈ ગયો ? યુરોપના ઉદયની સાથે જ અત્તરોની નિકાસ કલા ફરીથી પશ્ચિમી દેશોમાં પહોંચી.ફ્રાન્સમાં તો લગભગ પાંચસો વરસોથી જુદા જુદા પ્રકારની સુગંધિત દ્રવ્યોનું ઉત્પાદનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
ભારતમાં વૈદિક કાળમાં સુગંધીત પદાર્થો દ્વારા અગ્નિકુંડમાં હવન કરવામાં આવતો હતો.જેથી આજુબાજુનું વાતાવરણ સુગંધથી મહેકી ઉઠતું હતું. રામાયણ અને મહાભારતના કાળમાં સ્ત્રીઓ જુદા જુદા પ્રકારની સુગંધીત પદાર્થોનો ઉપયોગ શ્રૃંગારના રૂપમાં કરતી હતી.
ગુલાબના અત્તરની શોધ સૌથી પહેલા ભારતમાં મોગલ શહેનશાહ જહાંગીરની બેગમ નૂરજહાંએ કરી હતી.પાણી ભરેલા હોજમાં તરતી ગુલાબની પાંખડીઓની આસપાસ એક પ્રકારના ચીકણા તૈલી પદાર્થને ભેગા થતાં જાેઈને એના મનમાં એક વિચાર આવ્યો હતો.એણે એ ચીકણા પદાર્થોને ભેગો કર્યો ત્યારે એને ખબર પડી કે એને કેટલાય દિવસો સુધી સંગ્રહ કરીને સુગંધ મેળવી શકાય છે ત્યારબાદ ગુલાબના એ અર્કને કાઢવાનો આદેશ આપ્યો અને આ પ્રકારે ગુલાબના અત્તરની શોધ થઈ.
આજના સમયમાં અત્તર તૈયાર કરવાને માટે અને એની સુગંધને અત્યંત મનમોહક બનાવવાની અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓ શોધવામાં આવી છે.
પ્રાચીન સમયમાં લોકો સુગંધિત છોડના ફૂલો અથવા એની છાલમાંથી રસ કાઢીને એને જૈતુન અથવા અન્ય તેલોમાં મેળવીને અત્તર બનાવતા હતા.મધ્યયુગમાં અત્તર બનાવવાને માટે સ્પીરીટનો ઉપયોગ થતો હોવાનું ખબર પડી.
અત્તર બનાવવું એ એક ઘણી મોટી કલા છે.અત્તર બનાવનાર રોજ નવી નવી ચીજાેની શોધ કરતા રહે છે અને નીત નવા પ્રયોગો કરે છે.કયારેક નવા અત્તરને તૈયાર કરવામાં ઘણા વર્ષો નીકળી જાય છે.
વિશ્વમાં તેમજ ભારતમાં અનેક ફુલોમાંથી અત્તર બનાવવામાં આવે છે.રાસાયણિક વિશ્લેષણમાંથી એ ખબર પડે છે કે કોઈપણ ફૂલ કે છોડમાંથી પ્રાપ્ત થતા તેલ અથવા અર્કમાં જુદી જુદી સુગંધના તત્વો લગભગ નિશ્ચિત માત્રામાં મોજુદ હોય છે.આજે તો ફુડ ઓઈલ જેવા તત્વોમાંથી પણ કૃત્રિમ સુગંધ બનાવાય છે.રસાયણ શાસ્ત્રીઓએ એવા સેન્ટેડ પદાર્થો શોધ્યા છે કે જેની સુગંધ કુદરતમાંથી પણ નથી મળતી.
અત્તર તૈયાર કરવામાં આજે સૌથી અનોખી વિધિ છે.પશુઓના શરીરમાંથી કાઢેલ પદાર્થ જેમાં કેટલાક તો અત્યંત દુર્ગંધમય છે.વ્હેલ માછલીમાંથી પ્રાપ્ત મીણ, હરણના શરીરમાંથી કસ્તૂરી તથા કેટલાક પશુઓમાંથી ગ્રંથિઓમાંથી પ્રાપ્ત થાય છે.
અમેરીકાના ન્યુજર્સી નગરમાં ૧પ મીનીટમાં આશરે ૬૦ ગેલન અત્તર તૈયાર થાય છે.અહીંયાનંુ અત્તર ફેકટરીઓમાં બને છે.જેમાં આંક વૃક્ષનું તેલ, લવીંગ, જાયફળ,સુગંધિત ઘાસ, એસીડ, સ્પીરીટ જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુલાબનું તેલ એક બહૂમૂલ્ય સુગંધીત પદાર્થ છે જે આસવન, સયંત્ર દ્વારા કાઢવામાં આવે છે એનું ઉત્પાદન બુલ્ગેરીયા,રૂસ, ટર્કી, મોરક્કો અને ભારતના કન્નૌજ, અલીગઢ અને ગાજીપુરમાં કરવામાં આવે છે.
ભારતમાં અત્યાર સુધી જુની વિધિથી અત્તર બનાવવામાં આવે છે પરંતુ લખનૌની રાષ્ટ્રીય પ્રયોગશાળા કેન્દ્રીય ઔષધીય અને સુગંધ વૃક્ષ સંસ્થાનમાં આધુનિક અને કારગર વિધિ શોધી કાઢી છે અને એક આસવન સયંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. જેના દ્વાર ઉત્તમ કવોલીટીનું શુદ્ધ ગુલાબનું અત્તર અને ગુલાબજળ તૈયાર કરવામાં આવે છે.ગુલાબનું તેલ સૌંદર્ય પ્રસાધનો અને ચિકિત્સામાં પણ વપરાય છે.
કમલેશ કંસારા
અમદાવાદ