થરાદ માર્કેટના આઠ વેપારીઓ સાથે રૂપીયા ૩૬.૭૧ લાખની છેતરપીંડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ થરાદ  : થરાદના માર્કેટયાર્ડમાં ૧૬૩ નંબરની સોનલ ટ્રેડીંગ નામની વેપારી પેઢી ધરાવતા સુરેશભાઇ તળશાભાઇ પટેલ તથા તેના પિતા તળશાભાઇ હરચંદભાઇ પટેલ રહે.વારા તા.થરાદનાઓએ માર્કેટના વેપારી દિનેશભાઇ સગથાભાઇ પટેલ (કિસાન કોર્પોરેશન પ્લોટનં ૧૫૦) પાસેથી ગત તા.૬/૫/૨૦૨૦ના રોજ રૂપીયા ૩,૧૭,૩૦૩ની કિંમતના ઇસબગુલ તથા રુપીયા ૪,૧૮,૭૨૭ ના જીરૂ મળીને કુલ રૂપીયા ૭,૩૬,૦૩૦ કિંમતના માલની ખરીદી કરી હતી. આવી જ રીતે માર્કેટના અન્ય સાત વેપારીઓ પાસેથી રૂપીયા ૨૯,૩૫,૫૦૦ મળીને રૂપીયા ૩૬,૭૧,૫૩૦ની જીરા તથા ઇસબગુલના માલની ખરીદી કરી હતી. જે માલનું ઉંઝામાં આવેલ તેમના ભાઇ મોતીલાલ તળશાભાઇ પટેલ (રહે.વારા તા.થરાદ)ની પ્લોટ નંબર ડી ૨૭૭ માં આવેલી સાંઇદત્ત નામની પેઢી દ્વારા અન્ય પેઢીઓમાં વેચાણ કરાવેલ હતું. માર્કેટમાં માલનું વેચાણ કર્યા પછી ચોથા દિવસે પૈસાની ચુકવણી કરવાની થતી હોય છે. તે સમયમર્યાદામાં નહી ચુકવ્યા બાદ પણ સુરેશભાઇએ પૈસા ચુકવવા માટે વાયદા કર્યા હતા. ત્યારબાદ શુક્રવારે મોબાઇલ જ સ્વીચઓફ કરી દીધો હતો. આમ, સુરેશભાઇ તળશાભાઇ પટેલ તથા તળશાભાઇ હરચંદભાઇ પટેલ રહે.વારા તા.થરાદ એ દિનેશભાઇ પટેલની તથા માર્કેટયાર્ડના વેપારીઓની અલગ અલગ પેઢીઓમાંથી મળીને કુલ રૂપીયા ૩૬,૭૧,૫૩૦ની જીરા તથા ઇસબગુલના માલની ખરીદી સુનિયોજીત કાવતરુ રચી કર્યા બાદ પૈસા નહી ચુકવીને વેપારીઓ સાથે છેતરપીંડી કરી હતી. આ બાબતે વેપારીઓની ફરિયાદના આધારે થરાદ પોલીસે માર્કેટના બંન્ને વેપારી પિતાપુત્રો તથા ઉંઝામાં રહેતા તેમના ભાઇ સહિત ત્રણ સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને થરાદ અને ઉંઝાના માર્કેટયાર્ડમાં ચકચાર સાથે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.