પાલનપુરના વાસણ(ધા) ગામની દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, પાલનપુર

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, ૧૦૮, ૧૮૧ સહિતની સામાજિક સંસ્થાઓમાં અનેક દિકરીઓ પોતાની ફરજ અદા કરી રહી છે. જેમાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામની પરિચારિકા દિકરી ભારતીબેન ઠાકોરના છેલ્લા બે માસથી પરિવારજનોને મળ્યા વિના વતનથી ૧૩૦ કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક સૂઇગામ તાલુકાના મમાણા ગામે ઉનાળાની બળબળતી ગરમી વચ્ચે કોરોના વોરિયર્સ બની લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે.

કોણ કહે છે કે, દિકરી એ સાપનો ભારો છે. જો રૂઢિગત રીત–રિવાજોને ત્યજીને દિકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ પણ ઉચ્ચશિક્ષણ થકી સમાજ અને દેશ સેવા કરી બતાવવાની તાકાત ધરાવે છે. સૂઇગામ તાલુકાના મમાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતાં ભારતીબેન ઠકોરે જણાવ્યું હતું કે, એક તરફ મારા પિતાનું સારણગાંઠનું ઓપરેશન ચાલતું હતું અને હું ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી. જો કે, તે પછી કોરોના વાયરસનું સંક્રમણ થતાં છેલ્લા બે માસથી ઘરે આવી નથી. પરિવારની યાદ તો આવે છે પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે.તેઓ ઉનાળાની બળબળતી ગરમી વચ્ચે કોરોના વોરિયર્સ બની ઘરે ઘરે જઇ લોકોના આરોગ્યની સંભાળ અને સર્વેની કામગીરી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.