ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૮ નવા કેસ, ૨૯ના મોત, એક દર્દી રાજસ્થાનનો બતાવ્યો, કુલ દર્દી ૭૦૧૩-મૃત્યુઆંક ૪૨૫

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગાંધીનગર.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૨૯ દર્દીના મોત થયા છે જ્યારે ૨૦૯ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ૭૦૧૩ દર્દી નોંધયા છે અને મૃત્યુઆંક ૪૨૫ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૧૭૦૯ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રેસનોટમાં એક રાજસ્થાનનો પણ દર્દી બતાવ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસો અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૮૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૭૫, સુરતમાં ૪૫, અરવલ્લીમાં ૨૫, વડોદરામાં ૧૯, ગાંધીનગરમાં ૫, દાહોદમાં ૪, જામનગરમાં ૪, બનાસકાંઠામાં ૩, ખેડામાં ૩ અને રાજકોટમાં ૨, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને રાજસ્થાનમાં ૧-૧ કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૨ દર્દીના કોરોનાને કારણે અને ૧૭ દર્દીના હાઈરિસ્ક, અન્ય બીમારી અને કોરોનાથી મૃત્યુ થયા છે. તેમજ આજે ૨૦૯ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૭૦૧૩ દર્દીમાંથી ૨૬ વેન્ટીલેટર પર અને ૪,૮૫૩ની હાલત સ્થિર છે. જ્યારે ૧૭૦૯ દર્દી ડિસ્ચાર્જ અને ૪૨૫ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો આપણે અત્યાર સુધીમાં ૧ લાખ ૫૫૩ ટેસ્ટ કર્યાં છે. જેમાંથી ૭૦૧૩ના રિપોર્ટ પોઝિટિવ અને ૯,૩૫૪૦ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

૭ મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા કોરોના અંગે જોઇન્ટ બ્રિફિંગ કરવામાં આવશે.

અમદાવાદ અને સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પેરા મિલેટ્રીની કંપનીઓ મુકીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય રેડ ઝોનના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પણ વિશેષ પોલીસ બંદોબસ્ત મુકીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ તમામ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના અંદરના ભાગે પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની અંદર આવતા કે બહાર જતા વ્યક્તિ અને વાહનને ચેક કરવામા આવી રહ્યાં છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, વિવિધ રાજ્યોમાંથી અત્યારસુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. પરપ્રાંતિયોને પોતના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. આજે વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે. ગુજરાતના જે લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવ્યા છે.

કોરોના વાઇરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોની હાલત દયનીય બની ગઇ છે. વડોદરા શહેરના માર્ગો ઉપર ફૂગ્ગા, રમકડાં, મચ્છર રેકેટ સહિત સીઝનલ ચિજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા ૫૦ જેટલા ફૂટપાથવાસીઓને પોલીસ દ્વારા એક લક્ઝરી બસમાં વતન રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે.

હાલ ગુજરાતમાં અને ખાસ તો મોટા શહેરો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતાં રેડ ઝોનમાં મુકાયાં છે ત્યાં ઘણાં ખાનગી તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ગુજરાત સરકાર વતી આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ તબીબો જોગ આદેશ જારી કરીને કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો અને તબીબો પોતાની સેવા તાકીદે ગુરુવારથી શરુ નહીં કરે તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત નીતિન પટેલે બુધવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ અહીં તજજ્ઞો સામેથી સેવા અથવા માર્ગદર્શન આપવા સામેથી આવે તેવી અપીલ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુદર ઊંચો હોવાથી તેમણે વિષય નિષ્ણાત તબીબોને સરકારની પડખે આવવા અપીલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.