દિલચશ્પ છે કરોળિયાનું જીવન..!
એક અંગ્રેજ કવિતાની શરૂઆતની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આવા પ્રકારે થાય છે.જાે તમારે સુખી અને સમૃદ્ધ જીવન જીવવું હોય તો કરોળિયાને શાંતિથી જીવવા દો કારણ કે તે માખી, મચ્છર, કીડી, મંકોડા જેવા જીવજંતુઓ કરોળિયાનું પ્રિય ભોજન છે.એટલે ઘરમાં થતાં આવા જીવજંતુઓથી બચવાને માટે કરોળિયો આપણી મદદ કરે છે.
નાની નાની અસફળતાઓથી ગભરાઈ જવા વાળાને માટે કરોળિયો પ્રેરણારૂપ છે. વારંવાર પડી જતાં કરોળિયો અંતે પોતાની જાળ બાંધવામાં સફળથઈ જાય છે.
ઈંગ્લેન્ડના પ્રસિદ્ધ જંતુ વૈજ્ઞાનિક ડૉ.વીલીયમ બ્રીસ્ટોનના અનુસાર ખેતરની એક એકર જમીનમાં નાના મોટા ર૦ લાખ કરોળિયા જાેવા મળે છે અને ખેડેલ જમીનમાં તો તેની સંખ્યા ઓછી જાેવા મળે છે.
આપણે ત્યાં ઘરમાં વાર તહેવારે ઘરની સાફસફાઈ વખતે કરોળિયાના જાળા સાફ કરવામાં આવે છે. દિવાળી પર તો અનેક સંખ્યામાં લોકો કરોળિયાના જાળાનો નાશ કરી નાખે છે પરંતુ વિશ્વમાં કેટલાક દેશોમાં કરોળિયો તંદુરસ્તી અને સૌભાગ્યનું પ્રતિક તરીકે ઓળખાય છે.જાે તમારા પાકીટમાંથી કરોળિયો નીકળે તો તમને નજીકના ભવિષ્યમાં ધન પ્રાપ્ત થશેે જાે તમારા પહેરવાના કપડામાંથી કરોળિયો નીકળે તો નજીકના સમયમાં તમે તમારા માટે નવા વસ્ત્રો ખરીદશો.આ પ્રકારની માન્યતાઓ યુરોપના અનેક દેશોમાં પ્રચલિત છે.કરોળિયાની સોથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની લાળને જાળરૂપમાં બાંધીને તેમાં લટકે છે અને નાના નાના જીવજંતુઓને પોતાની તરફ આકર્ષિત કરીને પકડી લે છે.પોતાની જાળને બાંધવાને માટેનું અવયવ એના પેટના ભાગમાં હોય છે.વણવાના અવયવ દ્વારા તે રેશમી તાર જેવી લાળ કાઢે છે.
કરોળિયાની કેટલીક પ્રજાતિઓમાં બે ચાર છ કે આઠ આંખો હોય છે.બધાં જ પ્રકારના કરોળિયાને કુલ આઠ પગ હોય છે.પ્રત્યેક પગમાં સાત આઠ આંગળીઓ જાેવા મળે છે.અંતિમ ભાગ પર વાંકા નખ જેવાં બે આંકડા હોય છે.
એક દિલચશ્પ વાત એ છે કે કરોળિયાનું જાળું બુલેટપ્રુફ જેકેટની જેમ મજબુત હોય છે.એટલે કેટલીક વિશેષ પ્રજાતિના કરોળિયાના જાળામાં ઉંદર કે નાનું પક્ષી પણ સપડાઈ જાય છે.પોતાના બચ્ચાં રાખવાને માટે કરોળિયા કાગળ જેવાં પાતળાં દર બનાવે છે.ચીની વૈદ્યોના અનુસાર આ સફેદ પાતળા દર કાઢી લઈને એને દેશી ગોળ સાથે ગોળી બનાવીને ગમે તેવો હઠીલો તાવ અને આંખમાંથી નીકળતું પાણી પણ બંધ થઈ જાય છે.લોકોકિતના અનુસાર બ્રાઝીલની મહારાણી બાનુએ બ્રિટનની મહારાણી વિકટોરીયાને તંદુરસ્તી અને દીર્ઘાયુને માટે કરોળિયાના જાળામાંથી બનાવેલ વિશેષ પ્રકારનો ડ્રેસ મોકલ્યો હતો.
કરોળિયાની એક પ્રજાતિ છે.બ્લેક વિડો.એમાં નર કરોળિયો માદાના સંપર્કમાં આવ્યા બાદ માદા કરોળિયો નર કરોળિયાને મારીને ખાઈ જાય છે.તેમ છતાં નર કરોળિયો માદાને રીઝવવા માટે અવનવા પેતરા રજુ કરે છે.યુરોપમાં એક નર કરોળિયો પોતાની રેશમના તારવાળી જાળમાં માખીને પકડીને તેને લઈને માદા કરોળિયાને ઉપહાર તરીકે આપે છે પરંતુ આ ભેટ નર કરોળિયાને માટે અંતિમ ભેટ હોય છે.કારણ કે માદાના સંપર્કમાં આવ્યા બાદ તેનો નાશ નિશ્ચિત હોય છે. માદા કરોળીયો તેને ખાઈ જાય છે.
કમલેશ કંસારા અમદાવાદ