કુલ દર્દી ૬,૨૪૫-મૃત્યુઆંક ૩૬૮, મંગળવારે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર ૪ દર્દીએ ૧ ગુજરાતી
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૪૯ દર્દીના મોત થયા છે જ્યારે ૧૮૬ દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૬,૨૪૫ દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક ૩૬૮ થયો છે. જ્યારે ૧૩૮૧ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો ૩મેના રોજ ૨૮, ૪મેના રોજ ૨૯ અને આજે ૪૯ દર્દીના મોત થયા છે. આમ ૭૨ કલાકમાં ૧૦૬ દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર ૪૦ મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. મંગળવારે ચોવીસ કલાકમાં આખા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર પાંચ દર્દીએ એક અમદાવાદનો અને દર ચારે એક ગુજરાતી દર્દી છે.
ભારતમાં નોંધાયેલાં ૧૯૪ મૃત્યુના કેસમાં ૪૯ મૃત્યુ સાથે ૨૫ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં ૨૪ કલાકમાં આખા ભારતમાં જેટલાં નવા પોઝિટિવ કેસ આવ્યાં તે પૈકી ૧૧ ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં ૨૫ ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટિવ કેસ ૩,૮૭૫ હતાં તેની સામે ગુજરાતમાં ૪૪૧ નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં ૧૯૪ મૃત્યુના કેસમાં ૪૯ મૃત્યુ સાથે ૨૫ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.